News of Monday, 12th October 2026
સુરત મનપા કચેરીમાં ગેરકાયદે બાંધકામોની ફરિયાદ લઈને આવેલા અરજદાર કંટાળ્યો :પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ
'અમારું કામ થતું ન હોય તો અમારે નીચે પડીને મરી જવું? અરજદારનો આક્રોશ :સણિયા હેમદ અને કતારગામમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો સામે ચાર વર્ષથી રજૂઆતો છતાં કાર્યવાહી નહીં :તેમણે મુખ્યમંત્રી અને મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાને હસ્તક્ષેપ કરવા અપીલ કરી

સુરત મહાનગરપાલિકાની કચેરીમાં એક અરજદારે પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, સ્થળ પર હાજર સિક્યોરિટી સ્ટાફે સમયસર અરજદારને પકડી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી. સણિયા હેમદ અને કતારગામ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોની ફરિયાદ લઈને મનપા કચેરીએ પહોંચેલા અરજદારે પોતાની રજૂઆતોનો ઉકેલ નહીં આવતાં આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
અરજદારનો આક્ષેપ છે કે સણિયા હેમદ અને કતારગામ વિસ્તારમાં રહેણાંક હેતુ માટેની જગ્યાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરીને કોમર્શિયલ બાંધકામો ઊભાં કરવામાં આવ્યાં છે. આ મુદ્દે સુરત મહાનગરપાલિકા સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી. અરજદારના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં ચાર વર્ષથી તેઓ આ સમસ્યાનો ઉકેલ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
અરજદારે એવો પણ આક્ષેપ કર્યો છે કે સંબંધિત ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશનના આદેશો હોવા છતાં મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. ફરિયાદ લઈને કચેરીએ પહોંચે ત્યારે અધિકારીઓ એકબીજા પાસે મોકલી દેતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. લાંબા સમયથી યોગ્ય જવાબ નહીં મળતાં અરજદારમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મનપાની કામગીરીથી નારાજ અરજદારે કચેરીમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, 'અમારું કામ થતું ન હોય તો અમારે નીચે પડીને મરી જવું?' આ દરમિયાન અરજદારે પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિક્યોરિટી કર્મચારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેમને અટકાવ્યા હતા.
અરજદારે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાને ધ્યાન આપવા અપીલ કરી છે. ગેરકાયદે બાંધકામો અંગે મળેલી ફરિયાદો તથા કથિત ડિમોલિશન આદેશો પર કાર્યવાહી કેમ નથી થઈ, તે અંગે સવાલ ઊભા થયા છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
