<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

અરવલ્લી એસીબીની સફળ ટ્રેપ : ૫,૦૦૦ની લાંચ લેતા મેઘરજ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલા ઝડપાયા

મદદનીશ નિયામક એ.કે.પરમાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પીઆઈ ટી.એમ પટેલે મુડશી ગ્રામ પંચાયત કચેરીમાં છટકું ગોઠવી ભ્રષ્ટ કર્મચારીને દબોચ્યો

 મોડાસા: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરતા મેઘરજ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલાએ વારસાઈના કામ માટે એક જાગૃત નાગરિક પાસેથી પાંચ હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને મુડશી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ખાતેથી દબોચી લીધા છે.

 વારસાઈ એન્ટ્રી માટે માંગી હતી લાંચ:

આ કેસની વિગત મુજબ, ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડિલોપાર્જિત જમીનમાં ફરિયાદી અને તેમની બહેનોના નામ ખાતામાં દાખલ કરવાના હતા. આ સરકારી પ્રક્રિયા પૂરી કરવા માટે આરોપી રેવન્યુ તલાટી ગુમાનસિંહ ભુપેન્દ્રસિંહ વાઘેલાએ ૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે અરવલ્લી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી હતી.

 પંચાયત કચેરીમાં ગોઠવાયું છટકું:

ફરિયાદના આધારે એસીબીની ટીમે આજરોજ તા.૦૬/૦૫/૨૦૨૬ ના રોજ મુડશી ગ્રુપ ગ્રામ પંચાયત કચેરીમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાંની માંગણી કરી હતી. જેવી ફરિયાદીએ ૫,૦૦૦ રૂપિયાની રકમ આપી, તેવી જ રીતે એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એમ પટેલે ટીમ સાથે ત્રાટકીને આરોપીને સ્થળ પર જ પકડી પાડ્યા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી છે.

 ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં કાર્યવાહી:

આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ અને અમદાવાદ એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શનમાં કરવામાં આવી હતી. એસીબીએ ભ્રષ્ટ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપને પગલે જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(4:15 PM IST)