<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

મહાદેવ એપના સૌરભની ધરપકડથી ગુજરાતના બૂકીઓમાં ફફડાટ

CBI-EDની તપાસમાં ગુજરાતના બૂકીઓ-આંગડિયા મારફતે દુબઈ પહોંચાડાયેલા કરોડો રૂપિયાના વ્‍યવહારો સામે આવવાની શક્‍યતા : વર્ષ ૨૦૧૬થી ૨૦૨૪ દરમિયાન મહાદેવ એપના નેટવર્ક મારફતે અંદાજે એક લાખ ડમી બેંક ખાતાં ખોલાવી કરોડો રૂપિયાના વ્‍યવહારો કરવામાં આવ્‍યા હોવાના પુરાવા

અમદાવાદ,તા.૦૩: દેશના સૌથી મોટા ઓનલાઇન ક્રિકેટ સટ્ટા અને બેટિગ કૌભાંડમાં મહાદેવ એપના પ્રમોટર અને કૌભાંડના મુખ્‍ય સૂત્રધાર સૌરભ ચંદ્રાકરની ઓમાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. CBI અને EDની સંયુક્‍ત તપાસ ટીમની કાર્યવાહી તથા રોયલ ઓમાન પોલીસની મદદથી તેને ઝડપી લેવામાં આવ્‍યો છે. ૯૪ હજાર કરોડના સટ્ટા કૌભાંડના મુખ્‍ય આરોપીને ભારત લાવવામાં આવ્‍યા બાદ રાયપુરની કોર્ટમાં ટ્રાન્‍ઝિટ રિમાન્‍ડ માટે રજૂ કરવામાં આવ્‍યો છે. સૌરભ ચંદ્રાકરની ધરપકડ બાદ હવે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્‍યોમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતા મોટા બૂકીઓ CBI અને EDના રડારમાં આવી શકે છે. તાજેતરમાં જ ગુજરાત પોલીસે અમદાવાદના ગોતામાંથી સૌરભના ખાસ ગણાતા ભરત ચૌધરીની ધરપકડ કરી હતી. સૌરભ સાથે સંકળાયેલા અનેક ગુજરાતી બૂકીઓમાં દોડધામ મચી છે.

તપાસ એજન્‍સીઓના જણાવ્‍યા મુજબ, વર્ષ ૨૦૧૬થી ૨૦૨૪ દરમિયાન મહાદેવ એપના નેટવર્ક મારફતે અંદાજે એક લાખ ડમી બેંક ખાતાં ખોલાવી કરોડો રૂપિયાના વ્‍યવહારો કરવામાં આવ્‍યા હોવાના પુરાવા મળ્‍યા છે. આ નાણાંની હેરાફેરીમાં હવાલા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. ખાસ કરીને ગુજરાતના કેટલાક બૂકીઓએ આંગડિયા મારફતે કરોડો રૂપિયા દુબઈ સુધી પહોંચાડ્‍યા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. મહાદેવ એપનું નેટવર્ક વર્ષ ૨૦૧૭થી દુબઈમાંથી ઓપરેટ થતું હોવાનું તપાસમાં ખૂલ્‍યું છે. સૌરભ ચંદ્રાકરે છત્તીસગઢ, ભોપાલ, બેંગલુરુ, પヘમિ બંગાળ, મુંબઈ અને ગુજરાત સહિત અનેક રાજ્‍યોમાં અલગ-અલગ પેનલ બનાવીને સટ્ટાનું વિશાળ નેટવર્ક ઊભું કર્યું હતું. આ પેનલ મારફતે ઓનલાઇન ક્રિકેટ બેટિગ ઉપરાંત પોકર, કાર્ડ ગેમ, ટેનિસ, ફૂટબોલ, તીનપત્તી, ડ્રેગન ટાઇગર અને વર્ચ્‍યુઅલ ક્રિકેટ જેવી રમતોમાં પણ સટ્ટો રમાડાતો હતો.

ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્‍સએપ ગ્રૂપ મારફતે ખાસ કરીને યુવાનોને આકર્ષીને સટ્ટાના નેટવર્કમાં જોડવામાં આવતા હતા. ગુજરાત સહિત દેશનાં ૧૩ રાજ્‍યોમાં મહાદેવ એપ સાથે સંકળાયેલી ત્રણ અલગ-અલગ વેબસાઇટની ફ્રેન્‍ચાઇઝી અને પેનલ આપવામાં આવી હતી. દરેક પેનલ મારફતે સંચાલકોને મહિને પાંચથી દસ હજાર રૂપિયાનો નફો મળતો હતો, જ્‍યારે કેટલીક પેનલ ચલાવતા લોકો રોજના રૂ.૧૦થી ૧૫ હજાર સુધીની કમાણી કરતા હતા. મહાદેવ એપ ઉપરાંત સ્‍કાય એક્‍સચેન્‍જ ડોટ કોમ અને લોટસ ૩૬૫ ડોટ કોમ જેવી વેબસાઇટ મારફતે પણ સટ્ટાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. સટ્ટામાંથી મળતી રકમ મુંબઈ અને રાયપુર મારફતે હવાલા નેટવર્ક દ્વારા દુબઈ પહોંચાડાતી હતી.

EDની તપાસમાં આરોપીઓએ કૌભાંડની કમાણીમાંથી સોનું, લક્‍ઝરી કાર અને દુબઈમાં મિલકતોમાં રોકાણ કર્યું હોવાના પુરાવા પણ મળ્‍યા હતા. સૌરભ ચંદ્રાકર દુબઈમાં રહીને સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો. જોકે, તપાસ એજન્‍સીઓની કાર્યવાહી તેજ થતાં તે ઓમાન પહોંચી ગયો હતો. તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હોવાથી રોયલ ઓમાન પોલીસે તેને અટકાયતમાં લઈને ભારતીય એજન્‍સીઓને જાણ કરી હતી.

છત્તીસગઢમાં નોંધાયેલા પ્રારંભિક ગુનાની તપાસ બાદ CBIએ કેસની તપાસનો ધમધમટ શરૂ કર્યો હતો અને ખાસ્‍સા આરોપીઓની ધરપકડ કરાઈ છે. બીજી તરફ EDએ સૌરભ ચંદ્રાકરનાં મુંબઈ અને દિલ્‍હીનાં રહેઠાણો સહિત વિવિધ સ્‍થળોએ દરોડા પાડ્‍યા હતા. મહાદેવ એપ સાથે સંકળાયેલા રવિ ઉત્‍પલ, અસીમ દાસ, રોહિત ગુલાટી, વિકાસ છપરિયા, અનિલ ધમામી, વિશાલ આહુજા અને ધીરજ આહુજા સામે પણ EDએ વર્ષ ૨૦૨૫માં ચાર્જશીટ દાખલ કરી હતી.

પાકિસ્‍તાનના અંડરવર્લ્‍ડને પ્રોટેક્‍શન મની આપી દુબઈમાં નેટવર્ક ચલાવવાની શરત સ્‍વીકારી હોવાનો ખુલાસો તપાસમાં થયો છે. મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ઓમાનમાંથી ધરપકડ બાદ આંતરરાષ્ટ્રીય સટ્ટા નેટવર્કના ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસના સંદર્ભમાં પાકિસ્‍તાન માટે અલગ ક્રિકેટ સટ્ટા બેટિગ એપ બનાવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. દુબઈમાં નેટવર્ક ચલાવવા પાકિસ્‍તાનના અંડરવર્લ્‍ડને પ્રોટેક્‍શન મની આપવાની શરત પણ સ્‍વીકારાઈ હોવાનું જાણવા મળ્‍યું છે. આ કૌભાંડના તાર ગુજરાત સુધી પહોંચતાં પોલીસે અમિત મજીઠિયા સહિત સાત લોકો સામે ગુનો નોંધી અંદાજે રૂ.૧,૨૦૦ કરોડના સટ્ટા અને નાણાકીય વ્‍યવહારોની તપાસ શરૂ કરી હતી. તપાસમાં ફૂડ ડિલિવરી બોય અને શિવમ ટ્રેડિગ સહિતની કંપનીઓનાં નામે આશરે એક હજાર બેંક ખાતાં ખોલાવી કરોડોની હેરાફેરી થઈ હોવાની વિગતો સામે આવી હતી. આંગડિયા મારફતે નાણાં મુંબઈ અને ત્‍યાંથી દુબઈ પહોંચાડવામાં આવતાં હોવાની પણ તપાસ થઈ રહી છે. હવે સૌરભની પૂછપરછમાં અમિત મજીઠિયા સહિત ગુજરાતના બૂકીઓ અને આંગડિયા પેઢીઓની ભૂમિકા અંગે વધુ ખુલાસા થવાની શક્‍યતા છે.

(1:20 PM IST)