તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
દેડિયાપાડામાં નર્મદા પરિક્રમાવાસીઓનું આગમન : ‘નર્મદે હર’ના નાદથી નર્મદા જિલ્લાનો નર્મદા કિનારો ગુંજી ઉઠ્યો
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ગુજરાતમાં પ્રવેશ્યા; સાગબારા, સેલંબા અને ડુમખલ થઈ દેડિયાપાડા પહોંચ્યા:નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓમાં ઠેર ઠેર અન્નક્ષેત્રો અને સદાવ્રતો શરૂ થતાં પરિક્રમાવાસીઓને ભોજન-પ્રસાદની સેવા

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા મૈયાની ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીકગણાતી પવિત્ર નર્મદા પરિક્રમાનો માહોલ હવે નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ચાતુર્માસ પૂર્ણ થતાં જ નર્મદા પરિક્રમાવાસીઓ ફરી એકવાર પોતાની પવિત્ર પરિક્રમાની યાત્રા આગળ વધારી રહ્યા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. ‘નર્મદે હર... નર્મદે હર...’ના ગુંજતા નાદ સાથે નર્મદા જિલ્લાનો નર્મદા કિનારો ભક્તિમય બની ગયો છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા પરિક્રમાવાસીઓ સાગબારા, સેલંબા થઈને દેડિયાપાડા પહોંચી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર તરફથી આવતા કેટલાક પરિક્રમાવાસીઓ દેડિયાપાડા તાલુકાના ડુમખલ માર્ગે ગુજરાતમાં પ્રવેશી નર્મદા નદીના કિનારે પોતાની પરિક્રમા આગળ વધારી રહ્યા છે. નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પરિક્રમાવાસીઓ પગપાળા વિહાર કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે નર્મદા મૈયા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે.
ઠેર ઠેર અન્નક્ષેત્રો અને સદાવ્રતો શરૂ
નર્મદા પરિક્રમાવાસીઓની સેવા માટે નર્મદા જિલ્લામાં ઠેર ઠેર અન્નક્ષેત્રો અને સદાવ્રતો શરૂ થઈ ગયાં છે. સાગબારા, દેડિયાપાડા, નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં સેવાભાવી લોકો, સંસ્થાઓ અને ભક્તો દ્વારા પરિક્રમાવાસીઓ માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરિક્રમાવાસીઓ આ અન્નક્ષેત્રો અને સદાવ્રતોનો લાભ લઈ પોતાની પવિત્ર યાત્રા આગળ વધારી રહ્યા છે. નર્મદા મૈયાની સેવા સાથે પરિક્રમાવાસીઓની સેવા કરવાનો અનોખો સેવાયજ્ઞ પણ શરૂ થયો છે.
નર્મદા પરિક્રમાના બે પ્રકાર : એકહરી અને દોહરી પરિક્રમા
નર્મદા પરિક્રમા મુખ્યત્વે બે પ્રકારની હોય છે. જેમાં એકહરી પરિક્રમા અને દોહરી પરિક્રમાનો સમાવેશ થાય છે.
એકહરી પરિક્રમા : મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાના ઉદ્ગમસ્થાનેથી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવે છે. પરિક્રમાવાસીઓ નર્મદા નદીના એક કિનારે કિનારે ચાલીને નદીના મુખસ્થાન ભરૂચ સુધી પહોંચે છે અને ત્યારબાદ સામેના કિનારેથી પરત ફરી અમરકંટક પહોંચે છે. આ પ્રકારની પરિક્રમાને એકહરી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે.
દોહરી પરિક્રમા : દોહરી પરિક્રમામાં અમરકંટકથી પ્રારંભ કરીને નર્મદા નદીના એક કિનારે ભરૂચ સુધીની પરિક્રમા કરવામાં આવે છે. ત્યારબાદ જે માર્ગે આવ્યા હોય તે જ કિનારે અમરકંટક પરત પહોંચ્યા બાદ સામેના કિનારે ફરી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવે છે. સામેના કિનારે નર્મદા નદીના મુખસ્થાન સુધી જઈ ફરી એ જ માર્ગે અમરકંટક પરત ફરવામાં આવે છે. આ પ્રકારની દોહરી પરિક્રમા પૂર્ણ કરવામાં અંદાજે બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.
નર્મદા પરિક્રમા એટલે આસ્થાનું તપ અને કઠિન સાધના
નર્મદા પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ, ત્યાગ અને નિયમોનું પાલન કરાવતું એક પ્રકારનું તપ છે. પરિક્રમાવાસીઓએ યાત્રા દરમિયાન અનેક ધાર્મિક નિયમોનું પાલન કરવું પડે છે. સામાન્ય રીતે દિવસમાં એક જ વખત ભોજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, સતત નર્મદા મૈયાનાં દર્શન કરતા રહેવું અને નદી પ્રત્યેની આસ્થા જાળવી રાખવી જેવા નિયમોનું પાલન કરવામાં આવે છે.
ચાતુર્માસ દરમિયાન પરિક્રમાવાસીઓ નર્મદા કિનારે એક જ સ્થળે ચાર મહિના સુધી રોકાઈને સાધના અને ભજન-કીર્તન કરે છે. પરિક્રમા દરમિયાન નર્મદા નદી ઓળંગવામાં આવતી નથી અને નદીના કિનારાને અનુસરીને જ યાત્રા પૂર્ણ કરવામાં આવે છે.
હાલમાં દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં નર્મદા પરિક્રમાવાસીઓનું આગમન થતાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. એક તરફ પરિક્રમાવાસીઓના મુખે ‘નર્મદે હર’ના નાદ ગુંજી રહ્યા છે, તો બીજી તરફ સેવાભાવી લોકો દ્વારા અન્નક્ષેત્રો અને સદાવ્રતોના માધ્યમથી નર્મદા મૈયાના ભક્તોની સેવા કરવામાં આવી રહી છે
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
