<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બંગાળમાં કમળ ખીલતા જ ગુજરાતમાં ઉત્સવ: નવસારીમાં વસતા હજારો બંગાળીઓએ 'ઝાલમુરી' વહેંચી ભાજપની ઐતિહાસિક જીત વધાવી

વતનથી દૂર રહીને પણ પરિવર્તનની લહેર અનુભવતા શ્રમિકોમાં ખુશીની હેલી: 'મોદી હૈ તો મુમકિન હૈ'ના નારા સાથે નવસારીના રસ્તાઓ પર કેસરીયો માહોલ

 

નવસારી, તા.૦૪: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત અને મમતા બેનર્જીના ગઢના ધબડકાએ સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. પરંતુ આ જીતનો સૌથી વધુ આનંદ વતનથી દૂર ગુજરાતમાં વસતા બંગાળી સમુદાયમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં સ્થાયી થયેલા બંગાળી પરિવારોએ આજે ફટાકડા ફોડી અને પરંપરાગત વાનગીઓ ખવડાવીને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી હતી.
પ્રધાનમંત્રીની મનપસંદ 'ઝાલમુરી'નો જાદુ
નવસારીમાં વસતા બંગાળીઓએ ઉજવણી માટે એક અનોખો અંદાજ અપનાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે બંગાળની મુલાકાત લીધી હતી ત્યારે જે પ્રખ્યાત વાનગી 'ઝાલમુરી'નો સ્વાદ માણ્યો હતો, તે જ વાનગી નવસારીમાં મોટી માત્રામાં બનાવવામાં આવી હતી. ભાજપના સમર્થનમાં નીકળેલા બંગાળી પરિવારોએ એકબીજાનું મોઢું મીઠું કરાવવાને બદલે 'ઝાલમુરી' ખવડાવીને પોતાની સંસ્કૃતિ અને ભાજપ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો હતો.
રોજગારી અને પલાયનનું દર્દ હવે દૂર થશે તેવી આશા
વર્ષોથી નવસારીમાં હીરા ઘસવાનું કામ કરતા કે અન્ય વ્યવસાય સાથે જોડાયેલા બંગાળી કારીગરોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે રોજગારીના અભાવે અમારું વતન છોડવા મજબૂર બન્યા હતા. મમતા શાસનમાં ફેક્ટરીઓ બંધ થઈ અને માત્ર હિંસા વધી. હવે જ્યારે બંગાળમાં ભાજપની સરકાર આવી રહી છે, ત્યારે અમને આશા છે કે અમારા વતનમાં પણ ગુજરાત જેવો વિકાસ થશે અને અમારે ફરી ક્યારેય વતન છોડવું નહીં પડે."
મહિલા સુરક્ષા અને ભયમુક્ત બંગાળનું સપનું
નવસારીમાં વસતી બંગાળી મહિલાઓએ પણ આ જીતને વધાવી છે. તેઓનું માનવું છે કે સંદેશખાલી જેવી ઘટનાઓ બાદ બંગાળમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા, પરંતુ હવે નવી સરકાર આવતા જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે. શિક્ષણ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ પરિવર્તન અનિવાર્ય હતું.
દીદીનો ગઢ તૂટ્યો, દક્ષિણ ગુજરાતમાં કેસરિયો છવાયો
વલણો મુજબ મમતા બેનર્જીની સત્તા ૧૦૦ બેઠકોની અંદર સમેટાઈ ગઈ છે, જેની અસર ગુજરાતના રાજકારણમાં પણ જોવા મળી રહી છે. નવસારીના બંગાળી બહુલ વિસ્તારોમાં ભાજપના ઝંડા લહેરાઈ રહ્યા છે. પરપ્રાંતમાં વસતા લાખો બંગાળીઓ માટે આ જીત માત્ર એક પક્ષની જીત નથી, પરંતુ એક એવા વિશ્વાસની જીત છે કે હવે 'સોનાર બાંગ્લા' ખરેખર સોનાનું બંગાળ બનશે. હવે આ લોકો આશાભરી નજરે પોતાના માદરે વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

(3:41 PM IST)