તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 24th May 2026
પેટ્રોલ-ડીઝલ અને CNG મોંઘા થતાં ટેક્સી ભાડું કિ.મી. દીઠ 3 રૂપિયા વધ્યું, સ્કૂલ બસના ભાડા વધશે
મિડલ-ઈસ્ટમાં યુદ્ધની અસર: ઈંધણના ભાવમાં વધારાથી અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ભાડા 15-20% મોંઘા, ઓનલાઈન કેબમાં ₹5-10નો વધારો, સ્કૂલ વાન સંચાલકોએ નવા સત્રથી વિદ્યાર્થી દીઠ ₹200-300 વધારવાનો નિર્ણય લીધો

અમદાવાદ : ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ગુજરાતીઓના ખિસ્સા પર પડી છે. 15 મે 2026થી પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે 3 રૂપિયા અને CNGના ભાવમાં કિલોએ 2 થી 4 રૂપિયાનો વધારો થતાં જાહેર પરિવહન મોંઘું થયું છે. અમદાવાદમાં પેટ્રોલ 97.49 રૂપિયા, ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લિટર થયું છે, જ્યારે સુરતમાં પેટ્રોલ 97.35, વડોદરામાં 97.60 અને રાજકોટમાં 97.29 રૂપિયા થયું છે. CNGનો ભાવ અમદાવાદમાં 86 રૂપિયાથી વધુએ પહોંચ્યો છે. ઈંધણ મોંઘું થતાં અમદાવાદમાં રિક્ષાની મુસાફરી 15થી 20 ટકા મોંઘી બની છે અને 30 રૂપિયાના અંતરના હવે 35થી 40 રૂપિયા ચૂકવવા પડે છે. ઓનલાઈન ટેક્સી કંપનીઓએ ભાડામાં 5થી 10 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે ટેક્સી યુનિયનોએ કિ.મી. દીઠ 3 રૂપિયા ભાડું વધાર્યું છે. ઓટો રિક્ષા સંગઠનોએ ઓછામાં ઓછા 1 રૂપિયાનો વધારો કરવાની માંગ વહીવટીતંત્ર સમક્ષ મૂકી છે. સ્કૂલ વાન એસોસિએશનના જણાવ્યા મુજબ ડીઝલના ભાવ વધારાથી મહિને 3000-4000 રૂપિયાનો વધારાનો ખર્ચ આવતાં નવા સત્રથી વિદ્યાર્થી દીઠ 200થી 300 રૂપિયા ભાડું વધારવું પડશે. ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિએશનના પ્રમુખે કહ્યું કે 2022 બાદ ભાડાનો રિવ્યુ થયો નથી, જ્યારે CNG, સ્પેરપાર્ટ અને ફિટનેસ ફી મોંઘા થતાં અઢી લાખ રિક્ષાચાલકોને રોજી કમાવવી મુશ્કેલ બની છે. ડિલીવરી અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતાં શાકભાજી, કરિયાણું સહિતની ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
