News of Monday, 29th June 2026
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થતાં જલદી જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે: કૃષિ હવામાન વિભાગની નવી આગાહી
આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ ચોમાસું ખૂબ જ મજબૂતાઈથી આગળ વધવાની શક્યતા

અમદાવાદ :કૃષિ હવામાન વિભાગના તાજા અહેવાલો મુજબ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થતાં જલદી જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. ખાસ કરીને જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, તેમના માટે જુલાઈ મહિનાની શરૂઆત રાહતના સમાચાર લઈને આવી શકે છે.
દેશભરમાં 15 જૂનથી નેઋત્યના ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. હાલમાં આ ચોમાસુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવીને સ્થિર થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ સ્થિર રહે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં મેઘરાજાની ગતિ સાનુકૂળ હોવાથી ખેતીકામ માટે પૂરતો ભેજ મળી રહેશે અને વાવણી લાયક માહોલ વધુ મજબૂત બનશે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી ત્રણ દિવસ બાદ વાતાવરણમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય તેવી આશા છે. આ સિસ્ટમ સક્રિય થતાં જ ચોમાસું આગળ વધશે. હવામાન વિભાગના નકશા દર્શાવે છે કે આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ ચોમાસું ખૂબ જ મજબૂતાઈથી આગળ વધવાની શક્યતા છે.
જૂનાગઢ જિલ્લા માટે ચિંતાજનક વાત એ છે કે, છેલ્લા 10 વર્ષના રેકોર્ડ મુજબ ચાલુ વર્ષના જૂન માસમાં અહીં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની આ ખેંચને કારણે જગતનો તાત ચિંતિત છે, પરંતુ હવામાનના બદલાતા મિજાજથી હવે ટૂંક સમયમાં જ આ ચિંતા દૂર થઈ શકે છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
