<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સાબરમતી નદી ખાલી થતા જ શ્રમિકોમાં સિક્કા શોધવા પડાપડી !

અમદાવાદની સાબરમતી નદી વાસણા બેરેજના સમારકામ માટે ખાલી કરાઈ: નદીના પટમાં જૂના સિક્કા અને કિંમતી વસ્તુઓ શોધવા સૌરાષ્ટ્રથી શ્રમિકો ઉમટી પડ્યા

 અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી અત્યારે એક અલગ જ કારણસર ચર્ચામાં છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે નદીને ખાલી કરવામાં આવતા જ, તેના પટમાં કિંમતી વસ્તુઓ અને જૂના સિક્કા શોધવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. વર્ષો બાદ નદી કોરીધાકોર થતા જાણે નદીના તળિયે ‘ટ્રેઝર હન્ટ’ (ખજાનાની શોધ) શરૂ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે 

વાસણા બેરેજના દરવાજા વર્ષો જૂના થઈ ગયા હોવાથી ચોમાસામાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડતી હતી. આથી, તંત્ર દ્વારા 18 દરવાજા બદલવા અને સમારકામ માટે ડેમના દરવાજા ખોલી નદીનું પાણી વહાવી દેવામાં આવ્યું છે. આ કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી બે મહિના સુધી સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધી સાબરમતી નદી અમદાવાદીઓને કોરી જોવા મળશે. 

 

નદીનું તળિયું દેખાતા જ રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલથી અંદાજે 300 જેટલા શ્રમિકો અમદાવાદ દોડી આવ્યા છે. આ લોકોએ નદીના પટમાં જ પડાવ નાખ્યા છે અને લોહચુંબક તથા અન્ય સાધનો વડે કિંમતી વસ્તુઓ શોધી રહ્યા છે. વર્ષોથી લોકો નદીમાં સિક્કા અને અન્ય ધાતુની સામગ્રી પધરાવતા હોય છે, જે અત્યારે આ શ્રમિકો શોધી રહ્યા છે. કેટલાક લોકોને રાજાશાહી સમયના જૂના સિક્કા મળ્યા હોવાની ચર્ચાએ જોર પકડતા કુતૂહલ વધ્યું છે.

નદી ખાલી થતાની સાથે જ એક વરવી વાસ્તવિકતા પણ બહાર આવી છે. ઉપરથી સુંદર દેખાતી સાબરમતીના પેટાળમાં ભારે ગંદકી, પ્લાસ્ટિકનો કચરો અને મોટી સંખ્યામાં ખંડિત મૂર્તિઓ જોવા મળી રહી છે. રીવરફ્રન્ટની ભવ્યતા નીચે દબાયેલી આ અશુદ્ધિઓ અત્યારે નરી આંખે જોઈ શકાય છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

(7:28 PM IST)