<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

ભોગાવો નદીમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં બગોદરા પાસેના લોલિયા ગ્રામ પંચાયત દ્વારા એલર્ટ : નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના

કિંમતી સામાન સાથે પ્રાથમિક શાળા અથવા પંચાયત હોલમાં આશ્રય લેવા સૂચના : નદી કિનારે ન જવા અને સરપંચ તેમજ તલાટીનો સંપર્ક કરવા ગ્રામજનોને અનુરોધ : અફવાઓથી દૂર રહેવા અને તંત્રને સહકાર આપવા અપીલ

બગોદરા : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભોગાવો નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે પૂરની શક્યતાને ધ્યાને રાખીને, બગોદરા પાસે આવેલ લોલિયા ગામની ગ્રામ પંચાયત દ્વારા તમામ ગ્રામજનો માટે અગત્યની ચેતવણી અને સલાહકારી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નદીના જળસ્તરમાં વધારો થતો હોવાથી કોઈ પણ ગ્રામજનને નદી તરફ ન જવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

 

 કિંમતી સામાન સાથે સલામત સ્થળે ખસી જવા સૂચના:

ગ્રામ પંચાયત દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને તાત્કાલિક અસરથી ઉપરવાસના કે ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જવા જણાવાયું છે. પૂરના પાણી ઘરમાં પ્રવેશે તે પહેલાં જ કિંમતી સામાન, સરકારી દસ્તાવેજો અને જરૂરી ઘરવખરીની યોગ્ય વ્યવસ્થા કરી લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. જે લોકો પાસે રહેવાની યોગ્ય જગ્યા ન હોય, તેમના માટે લોલિયા ગ્રામ પંચાયત ઉપરના હોલ તેમજ સ્થાનિક પ્રાથમિક શાળા ખાતે આશ્રય મેળવવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 અફવાઓથી દૂર રહેવા અને તંત્રને સહકાર આપવા અપીલ:

વિકટ કુદરતી આપત્તિના આ સમયમાં લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. વધારે કોઈ તકલીફ કે કટોકટીની સ્થિતિમાં ગ્રામજનોને સરપંચ અથવા તલાટીનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. ગ્રામજનો અને તેમના પરિવારની સલામતી જ ગ્રામ પંચાયતની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું જણાવીને, આ મુશ્કેલ પરિસ્થિતિમાં સજાગ રહી સરકારી સૂચનાઓનું કડકપણે પાલન કરવા અને પંચાયતને સંપૂર્ણ સાથ-સહકાર આપવા માટે ગ્રામ પંચાયત લોલિયા તરફથી અપીલ કરવામાં આવી છે.

(6:05 PM IST)