તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ ઉમેદવારોની સંપત્તિ ચર્ચામાં, માયાભાઈ આહિરની પુત્રી પાસે 44 તોલા સોનું-ઓડી કાર તો નયનાબા જાડેજા 11 કરોડના પ્લોટના માલિક
ભાજપ-કોંગ્રેસે સેલિબ્રિટી ઉમેદવારો પર લગાવ્યો દાવ, સોગંદનામામાં ખુલી સંપત્તિ: અંકિતા પરમાર પાસે ફોર્ચ્યુનર, પૂર્વ IPS મનોજ નિનામા પાસે રિવોલ્વર-બંદૂક

ગાંધીનગર, તા.16: ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આ વખતે સેલિબ્રિટી ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ઉમેદવારી પત્રો સાથે રજૂ થયેલા સોગંદનામામાં હાઈપ્રોફાઈલ ઉમેદવારોની કરોડોની સંપત્તિ બહાર આવી છે, જે ચર્ચાનો વિષય બની છે.
ભાજપે ડાયરા કલાકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલ ડેરને લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી મેદાનમાં ઉતારી છે. સોગંદનામા મુજબ સોનલ ડેર પાસે 35 લાખની કિંમતનું 44 તોલા સોનું છે. વાહનોમાં 5 લાખની ઓડી અને 10 લાખની હુન્ડાઇ ઓરા કાર છે. ચાવંડ ગામમાં 20 લાખની જમીન સહિતની મિલકતો પણ દર્શાવી છે.
કોંગ્રેસે રાજકોટ મનપાના વોર્ડ નંબર 2માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને ટિકિટ આપી છે. નયનાબા જાડેજા પાસે 17 કરોડથી વધુની મિલકત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મકનપુર ગામે વારસામાં મળેલા ખુલ્લા પ્લોટની વર્તમાન બજાર કિંમત આશરે 11 કરોડ જેટલી થાય છે. ભાઈ સાથેના જોઈન્ટ એકાઉન્ટમાં 5.75 કરોડની ફિક્સ ડિપોઝિટમાં તેમનો અડધો ભાગ છે. મ્યુચ્યુઅલ ફંડમાં 60 લાખથી વધુનું રોકાણ અને 20 તોલા સોનું પણ ધરાવે છે.
ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા પરમારને પણ ટિકિટ આપી છે. સોગંદનામા મુજબ અંકિતા પાસે ફોર્ચ્યુનર કાર છે. આ ઉપરાંત શામળાજીની ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂર્વ IPS મનોજ નિનામા છે. તેમના પત્નીના નામે ગાંધીનગરના સરગાસણમાં 1.40 કરોડનો ફ્લેટ અને દીકરી નિધિના નામે કુડાસણમાં 80 લાખની કોમર્શિયલ પ્રોપર્ટી છે. તેમની પાસે એક રિવોલ્વર અને એક બંદૂક પણ છે.
આ ઉપરાંત ભાજપે સિંગર નેહા સુથાર અને રાજલ બારોટને પણ મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે RJ આભાને ટિકિટ આપી છે. સેલિબ્રિટી ઉમેદવારોના સોગંદનામામાં ખુલેલી કરોડોની સંપત્તિએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલને વધુ ગરમાવ્યો છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
