<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ગ્રામ્‍ય કક્ષાએ લોકોને પ્રસંગોપાત ઉપયોગી થાય તેવી ‘અટલવાડી' બનાવાશે : ઋષિકેશ પટેલ

સામાજિક, સાંસ્‍કૃતિક, ધાર્મિક પ્રસંગો માટે ભાડાથી સરકારી સુવિધા મળશે

રાજકોટ, તા. ૩૦ :  રાજય સરકાર દ્વારા ગામડાઓના લોકોને પ્રસંગોપાત ઉપયોગી થાય તેવી (વાડી-હોલ) જેવી અટલવાડી બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. પંચાયત વિભાગના મંત્રીશ્રી ઋષિકેશ પટેલએ અકિલા સાથેની વાતચીતમાં તેની માહિતી આપી હતી. અટલવાડી લોકોને વ્‍યાજબી ભાડાથી મળશે. ભાડાની આવક વાડીની નિભાવણી માટે વપરાશે.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલને જણાવેલ કે ગ્રામ્‍ય કક્ષાએ જાહેર અને સામુહિક કાર્યક્રમોમના આયોજન માટે તેમજ નાગરિકોની સુખાકારી માટે અટલવાડી બનાવવા માટે વર્ષ-ર૦ર૬-ર૭ ના અંદાજ પત્રમાં જનરલ સદરે રૂા.૪ર.૦૦ કરોડ તથા ટ્રાયલ સદરે રૂા. ૧૮.૦૦ કરોડ મળી કુલ રૂા. ૬૦.૦૦ કરોડની નવી યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

જાહેર, સામાજિક સાંસ્‍કૃતિક, ધાર્મિક અને અન્‍ય મેળાવડા માટે ઉપયોગ થઇ શકે તેમજ આ પ્રકારના વિવિધ પ્રસંગો માટે ગામના તમામ વર્ગના લોકો માટેઆ પ્રકારની સામુહિક સુવિધા ઉભી કરવી, જેથી ખર્ચમાં બચત તથા ગામના તમામ વર્ગના લોકો માટે એક સામુહિક સુવિધા ઉપલબ્‍ધ થાય તેવો ઉદ્દેશ્‍ય છે. વિવિધ સામાજિક, ધાર્મિક પ્રસંગોની ઉજવણી તેમજ કુદરતી આપતિ સમયેપ ણ શેલ્‍ટર હોમ તરીકે ઉપયોગ થઇ શકે તેવા ભૌતિક માળખાની સુવિધા દ્વારા ગ્રામ વિકાસ માટે વધુ સહયોગ, સામાજિક માળખુ મજબુત કરી સર્વાગી વિકાસમાં વધારો કરાશે.

યોજનામાં પ્રાથમિક તબક્કે આ યોજનામાં જે ગ્રામ પંચાયત ર૦૦૦ થી વધુ વસ્‍તી ધરાવતી હોય તેવી ગ્રામ પંચાયત આવરી લેવામાં આવશે.

અટલવાડીમાં આર્ક-શેડ સહિત મોટો ઓપન હોલ, રસોડુ (કિચન બ્‍લોક), શૌચાલય (મહિલા અને પુરૂષ) અને પાણીની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. અટલવાડીમાં આશરે પ૦૦ નાગરિકો એકત્ર થઇ શકે તેટલી જગ્‍યા અને વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરાવાશે. દાતાઓ, ધારાસભ્‍યો, સાંસદો અટલવાડી નિર્માણમાં સહયોગ આપી શકશે.

(1:10 PM IST)