News of Tuesday, 28th July 2026
સુરતના ડુમસમાં હેવાનિયત :13 વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ડ્રાઈવરે કેબિનમાં લઇ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું
ગંભીર-વાંટા નહેર રોડ પરથી પસાર થતી ૧૩ વર્ષીય માસૂમ બાળકીનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું : નરાધમ ટ્રક ડ્રાઇવર માસૂમ બાળકીને અત્યંત નાજુક અને ભયાનક સ્થિતિમાં છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયો

સુરતના ડુમસ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના ગંભીર-વાંટા નહેર રોડ પરથી પસાર થઈ રહેલી એક ૧૩ વર્ષીય માસૂમ બાળકીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. મૂળ ગોંડલના ટ્રક ડ્રાઇવરે માસૂમ બાળકીને છળકપટ અને જોરજબરદસ્તીથી પોતાની ટ્રકની કેબિનમાં લઈ જઈને તેની પર કુકર્મ આચર્યું હતું. આ દુઃખદ બનાવને પગલે સમગ્ર સુરત શહેરમાં અને સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટના આચર્યા બાદ નરાધમ ટ્રક ડ્રાઇવર માસૂમ બાળકીને અત્યંત નાજુક અને ભયાનક સ્થિતિમાં છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના બે દિવસ બાદ આ સગીરા અત્યંત ગંભીર અને અર્ધબેભાન હાલતમાં મળી આવતા સ્થાનિક લોકો તથા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ગભરાયેલા પરિવારજનો દ્વારા તુરંત જ માસૂમ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને બનાવ અંગે ડુમસ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
આ મામલે ફરિયાદ નોંધાતા જ ડુમસ પોલીસે બનાવની ગંભીરતા સમજીને ત્વરિત કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગુનેગારને ઝડપી પાડવા માટે તપાસનો દોર તેજ કર્યો હતો. ટૂંક સમયમાં જ ડુમસ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત બાતમીના આધારે નરાધમ ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી હતી અને તેને કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરી દીધો હતો.
ડુમસ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકી સાથે થયેલા આ જઘન્ય અને અમાનવીય અપરાધને લઈને સ્થાનિકોમાં આરોપીને ફાંસી જેવી કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગણી ઉઠી રહી છે. પોલીસ હાલ આ કેસમાં કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કરવા માટે ઝડપથી કાનૂની કામગીરી પૂર્ણ કરી રહી છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
