<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

અમદાવાદમાં નશાકારક દવાઓની હેરાફેરી સામે ATSની મોટી કાર્યવાહી : 2 લાખ 8 હજાર ટ્રામાડોલ ટેબ્લેટ જપ્ત: રાજસ્થાની સપ્લાયરની ધરપકડ

આરોપી ગેરકાયદેસર રીતે ટ્રામાડોલનો વેપાર કરતો હતો અને મેડિકલ બિલનો ઉપયોગ કરીને નશાકારક દવાઓની હેરાફેરીને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરતો હતો

ગુજરાત ATSએ અમદાવાદમાં નશાકારક દવાઓની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં કરોડો રૂપિયાની ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. શાહિબાગના નમસ્તે સર્કલ નજીક હાથ ધરાયેલા ઓપરેશનમાં આશરે 2 લાખ 8 હજાર ટ્રામાડોલ ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 8.32 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કેસમાં રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી પરેશ પારસમલ જૈનની ધરપકડ કરવામાં આવી છે. ATSને મળેલી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગેરકાયદેસર રીતે ટ્રામાડોલનો વેપાર કરતો હતો અને મેડિકલ બિલનો ઉપયોગ કરીને નશાકારક દવાઓની હેરાફેરીને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરતો હતો.

ATSના જણાવ્યા મુજબ પરેશ જૈન અંકલેશ્વરથી એમ.આર. ટ્રાવેલ્સની બસ મારફતે ટ્રામાડોલની ટેબ્લેટ રાજસ્થાનના પાલી મોકલવાનો હતો. શાહિબાગ વિસ્તારમાં બસની તપાસ દરમિયાન ખાખી રંગના છ બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 2.08 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ન્યૂ મહાવીર મેડિકલના બિલના આધારે આ દવાઓનું ગેરકાયદેસર પરિવહન કરતો હતો. વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન બાદ ટ્રામાડોલને નાર્કોટિક્સ કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી, જેના કારણે તેની ગેરકાયદેસર ખરીદી-વેચાણ અને પરિવહન NDPS કાયદા હેઠળ ગંભીર ગુનો ગણાય છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ATSના જણાવ્યા અનુસાર પરેશ જૈન મે 2026થી અત્યાર સુધીમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 62 લાખ 54 હજારથી વધુ ટ્રામાડોલ ટેબ્લેટ સપ્લાય કરી ચૂક્યો છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી અગાઉ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં NDPS કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. હવે ATS આ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો, દવાઓનો સ્ત્રોત અને સપ્લાય ચેઇનની તપાસ કરી રહી છે. રાજ્યમાં ડ્રગ્સ અને નશાકારક દવાઓની હેરાફેરી સામે ચાલી રહેલા અભિયાન વચ્ચે ATSની આ કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(10:40 PM IST)