<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ઔડાની મોટી કામગીરી : 82 જેટલા રહેણાક બાંધકામોને બીયુ પરમીશન :શેલા અને ઘુમા સહિતના વિસ્તારોને મોટો લાભ

શેલા, ઘુમા અને સનાથલ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં હજારો પરિવારોના પોતાના ઘરમાં રહેવા જવાના માર્ગો હવે મોકળા થઈ ગયા

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘર ખરીદનારા અને બિલ્ડરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન નિયમોનુસારની પ્રક્રિયા પૂર્ણ કરીને કુલ 82 જેટલા રહેણાક બાંધકામોને બીયુ પરમીશન આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળવાને કારણે શેલા, ઘુમા અને સનાથલ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં હજારો પરિવારોના પોતાના ઘરમાં રહેવા જવાના માર્ગો હવે મોકળા થઈ ગયા છે.

 

ઔડા દ્વારા આપવામાં આવેલી આ મંજૂરીઓમાં સૌથી વધુ અરજીઓ અમદાવાદના પશ્ચિમ છેડે આવેલા અને હોટફેવરિટ ગણાતા શેલા, ઘુમા, સનાથલ તેમજ તેની આસપાસના પ્રાઇમ લોકેશનની હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રહેણાક સ્કીમોનું પ્રમાણ ખૂબ જ મોટા પાયે વધ્યું છે. સરકારના ચોક્કસ ધારાધોરણો અને નિયમોને આધીન રહીને ઔડા પ્રશાસન દ્વારા તમામ દસ્તાવેજો અને સાઇટ વેરિફિકેશન કર્યા બાદ જ આ 82 જેટલા બાંધકામોને કાયદેસરની મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ, આ પ્રક્રિયા દરમિયાન કાયદેસરના દાયરામાં લાવવા માટે કુલ 72 જેટલી અરજીઓ એવી હતી જેમાં નિયમોનુસાર આશરે 8.45 કરોડ રૂપિયા જેટલી માતબર ઇમ્પેક્ટ ફી વસૂલવામાં આવી છે. સરકારની આ સ્કીમ હેઠળ બિલ્ડરો અને મકાન માલિકોએ જરૂરી ફી ભરીને પોતાના બાંધકામોને રેગ્યુલરાઇઝ કરાવ્યા છે. આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી અથવા અધૂરા દસ્તાવેજો ધરાવતી 1 અરજીને ઔડા સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે રિજેક્ટ પણ કરવામાં આવી છે.

 

ઔડા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ 82 રહેણાક બાંધકામોને સરકારના પ્રવર્તમાન ધારાધોરણો અને ફાયર સેફ્ટી સહિતના કડક નિયમોનું પાલન કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવી છે. આ ઝુંબેશને કારણે જ્યાં એક તરફ સરકારની તિજોરીમાં કરોડોની આવક થઈ છે, ત્યાં બીજી તરફ નાગરિકોને પણ કાયદેસરના મકાનો પઝેશન સાથે મળી રહ્યા છે. આગામી સમયમાં પણ પેન્ડિંગ અરજીઓનો આવી જ રીતે ઝડપી નિકાલ કરવા માટે તંત્ર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે.

(2:08 PM IST)