તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ઔડાનો અનોખો હરિત સંકલ્પ: ₹૫.૩૦ કરોડના ખર્ચે ૩૫ મિલકતો પર ૧ MWp સોલાર પાવર પ્રોજેક્ટનો પ્રારંભ
ગ્રીન એનર્જીથી આત્મનિર્ભરતા તરફ AUDA: વાર્ષિક ૧૨.૭૮ લાખ યુનિટ સૌર વીજળી ઉત્પાદન સાથે થશે ₹૧.૨ કરોડથી વધુની બચત: પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ઉદ્દેશ્ય સાથે AUDAની માલિકીની ઇમારતો અને પાણી પુરવઠા કેન્દ્રો હવે સોલાર ઊર્જાથી ધબકશે

અમદાવાદ :પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઊર્જાનો સ્વીકાર અને ટકાઉ શહેરી વિકાસની દિશામાં આગળ વધતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. નવીનીકરણીય ઊર્જાના મહત્તમ ઉપયોગ પ્રત્યે કટિબદ્ધતા દર્શાવતા ઔડા દ્વારા તેની માલિકીની વિવિધ મિલકતોમાં ૧ MWp (૧,૦૦૦ kWp) ક્ષમતાનો ગ્રીડ-કનેક્ટેડ સોલાર ફોટોવોલ્ટેઇક (PV) પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો નિર્ણાયક નિર્ણય લેવાયો છે. ₹૫.૩૦ કરોડના અંદાજિત રોકાણ સાથે હાથ ધરાયેલો આ સોલારાઇઝેશન પ્રોજેક્ટ જાહેર સુવિધાઓના સંચાલનમાં ઊર્જા-સ્વતંત્રતા અને નાણાકીય કરકસર લાવવાની દિશામાં માર્ગદર્શક સાબિત થશે.
આ વ્યાપક પ્રોજેક્ટ હેઠળ ઔડાની ઓળખાયેલી અંદાજે ૩૫ જેટલી વીજ વપરાશ કરતી મિલકતોને સોલાર સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. જેમાં મુખ્ય વહીવટી ઇમારતો, ઓડિટોરિયમ, મણિપુર-ગોધાવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિવિધ સ્થળોએ આવેલા પાણી વિતરણ કેન્દ્રો, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો, જલ જીવન મિશન હેઠળના માળખા અને ગ્રામ્ય કક્ષાના વોટર હેડવર્ક્સનો સમાવેશ થાય છે. જે સ્થળોએ ટેકનિકલ અનુકૂળતા હશે ત્યાં રૂફટોપ તથા ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પેનલ્સ સ્થાપિત કરાશે. ખાસ કરીને અવિરત જાહેર સેવાઓ આપતા પાણી પુરવઠા અને પમ્પિંગ સ્ટેશનોમાં વીજળીનો વપરાશ વધુ હોવાથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેના દ્વારા થનારું સૌર વીજ ઉત્પાદન આ મિલકતોના વર્તમાન વાર્ષિક વીજ વપરાશ કરતાં પણ વધુ હશે. આ સોલાર સિસ્ટમથી દર વર્ષે અંદાજે ૧૨.૭૮ લાખ યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન થવાનો અંદાજ છે, જેની સામે આ ૩૫ મિલકતોનો હાલનો વાર્ષિક વીજ વપરાશ ૧૨.૩૧ લાખ યુનિટ છે. આ ઉત્પાદનથી પરંપરાગત ગ્રીડ વીજળી પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે. નાણાકીય દ્રષ્ટિએ પણ આ યોજના અત્યંત સધ્ધર છે, જેનાથી AUDAને પ્રતિ વર્ષ અંદાજે ₹૧.૨૮ કરોડનો પ્રત્યક્ષ નાણાકીય લાભ થશે.
પ્રોજેક્ટનું કુલ રોકાણ માત્ર ૪ વર્ષ અને ૨ મહિનાના ટૂંકા સમયગાળામાં જ વસૂલ (Pay-back) થઈ જશે, જે બાદ આગામી વર્ષો સુધી સંસ્થાને મફત ગ્રીન વીજળીનો લાભ મળતો રહેશે.
કામગીરીની ગુણવત્તા અને લાંબા ગાળાની વિશ્વસનીયતા માટે પ્રોજેક્ટમાં આધુનિક તકનીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાર્ષિક દર કરાર (Annual Rate Contract) હેઠળ ૬ મહિનાની સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરાશે, જ્યારે ૫ વર્ષ માટે વ્યાપક કામગીરી અને જાળવણી (O&M)નો કરાર પણ સામેલ છે.
પ્રોજેક્ટની ટેકનોલોજીકલ જોગવાઈઓ:
- રિયલ-ટાઇમ સોલાર જનરેશન ટ્રેકિંગ માટે ઑનલાઇન રિમોટ મોનિટરિંગ સિસ્ટમ (RMS).
- સોલાર ઊર્જાને પ્રાથમિકતા આપતી ઑટોમેટિક સ્વિચઓવર સુવિધા.
- કમિશનિંગ પહેલા શેડો એનાલિસિસ અને ૫ વર્ષ સુધી ન્યૂનતમ ૭૮% પરફોર્મન્સ રેશિયો (PR)ની ગેરંટી.
ઔડાનું આ ગ્રીન એનર્જી મિશન માત્ર વીજ બચત કે નાણાકીય લાભ પૂરતું સીમિત નથી, પરંતુ અમદાવાદને સ્વચ્છ, હરિત અને ટકાઉ મહાનગર બનાવવાની દિશામાં એક મજબૂત અને જવાબદાર વહીવટી પગલું છે
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
