તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
મોવી ગામે આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત બાળકો સાથે જાગૃતિ રેલી યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ મોવી ગામે આંગણવાડી કેન્દ્રોમાં વધુમાં વધુ બાળકોનો પ્રવેશ થાય અને વાલીઓમાં બાળ શિક્ષણ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા બાળકો સાથે ભવ્ય જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
મોવી ગામમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 1, 2 અને 3ના સંચાલકો તથા કર્મચારીઓ નાના ભૂલકાઓને સાથે રાખી ગામમાં ફરી લોકોને આંગણવાડી કેન્દ્રના મહત્વ અંગે માહિતગાર કર્યા હતા. રેલી દરમિયાન સ્થાનિક આદિવાસી બોલીમાં ગીતો ગાઈ બાળ શિક્ષણ, પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કર્મચારીઓએ લોકોને જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને દૂધ સંજીવની, પૌષ્ટિક નાસ્તો, બપોરનું ભોજન તેમજ રમતગમત આધારિત શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત આરોગ્ય ચકાસણી, ચિત્રકામ, વાર્તા વાંચન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને નૈતિક મૂલ્યોનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. વાલીઓ સાથે સતત સંપર્ક રહે તે માટે વોટ્સએપ ગ્રુપ મારફતે પણ માર્ગદર્શન અપાય છે.
મોવી-1ની સંચાલિકા રોશનીબેન મદનભાઈ વસાવાએ બાલવાટિકામાં 10 અને આંગણવાડીમાં 1, મોવી-2ની સંચાલિકા ધીરુબેન સુરેશભાઈ વસાવાએ બાલવાટિકામાં 14 અને આંગણવાડીમાં 1 તેમજ મોવી-3ની સંચાલિકા પાર્વતીબેન નરપતભાઈ વસાવાએ બાલવાટિકામાં 8 અને આંગણવાડીમાં 1 બાળકનો પ્રવેશ કરાવી કુલ 35 બાળકોને આંગણવાડી સાથે જોડવામાં સફળતા મેળવી છે.
આંગણવાડી કર્મચારીઓએ વધુમાં વધુ બાળકોને પ્રાથમિક બાળ શિક્ષણ સાથે જોડવા માટે વાલીઓને પોતાના બાળકોનો આંગણવાડીમાં પ્રવેશ કરાવવા અપીલ કરી હતી. રેલી દ્વારા સમાજમાં બાળ શિક્ષણ અને પોષણ અંગે સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
