<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

‘બેક ટુ સ્‍કૂલ' અભિયાનઃ શાળા દૂર હોય તેવા છાત્રોને વાહન ભથ્‍થુ

અધવચ્‍ચે અભ્‍યાસ છોડી દેતા વિદ્યાર્થીઓને ફરી શાળાએ લાવવા સરકારના પ્રયાસો : આધુનિક પધ્‍ધતિથી સર્વે : તા.૧૮ થી ર૦ શાળા પ્રવેશોત્‍સવ વખતે નવા વિદ્યાર્થીઓની સાથે ડ્રોપ આઉટવાળા વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ અપાશે

રાજકોટ, તા., ૩: રાજય સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ વખતે અધવચ્‍ચે અભ્‍યાસ છોડીને જતા (ડ્રોપ આઉટ) વિદ્યાર્થીઓને ફરી શાળામાં લાવી ભણતા કરવા બેક ટુ સ્‍કુલ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. સરકાર દ્વારા તા. ૧૮ થી ર૦ રાજયવ્‍યાપી શાળા પ્રવેશોત્‍સવ  યોજાનાર છે તે પુર્વે બેક ટુ સ્‍કુલ માટે આધુનિક પધ્‍ધતિથી સર્વે કરવામાં આવ્‍યો છે. અભ્‍યાસ અધુરો છોડનારા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવા આ પ્રકારનો આયોજીત પ્રયાસ પ્રથમ વખત કરવામાં આવી રહયો છે. જે વિદ્યાર્થીઓને શાળા દુર થતી હોય તેને શાળાએ જવા-આવવા સરકાર વાહન ભથ્‍થુ આપવાનું ગંભીરતાપુર્વક વિચારી રહયાનું સરકારી સુત્રો જણાવે છે. શિક્ષણ ક્ષેત્રના અવરોધોને હટાવી પ્રગતિની ગતિ વધારવા માટે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં અગ્રસચિવ શ્રી મિલિન્‍દ તોરવણેની હાજરીમાં તમામ જિલ્લા શિક્ષણ તંત્રના વડાઓની બેઠક યોજવામાં આવી હતી.

ધો.૧ થી ૧૦ માં રાજયમાં કોઇ પણ વિસ્‍તારમાં ભણતા કોઇ પણ વિદ્યાર્થીએ સ્‍થળાંતર, આર્થિક મુશ્‍કેલી અવા અન્‍ય કારણસર અભ્‍યાસ અધવચ્‍ચે છોડી દીધો હોય તેની માહિતી મેળવવા સરકારના ખાસ પોર્ટલ આધારીત યુડીઆઇડી પધ્‍ધતિથી સર્વે કરવામાં આવેલ. સરકારે જે તે વિદ્યાર્થીના કોમ્‍પ્‍યુટરાઇઝ શૈક્ષણિક રેકોર્ડના આધારે તેની ભાળ મેળવવા પ્રયાસ કર્યો છે. જે વિદ્યાર્થીઓએ અધવચ્‍ચે અભ્‍યાસ છોડી દીધો છે. તેને ફરીથી ભણતા કરવા માટે પ્રયાસો ચાલી રહયા છે. આવા વિદ્યાર્થીઓના અભ્‍યાસ છોડી દેવાના કારણો જાણી તેને ફરીથી નજીકની સરકારી કે ગ્રાન્‍ટેબલ શાળામાં પ્રવેશ અપાવવા માટે કાર્યવાહી થશે. જે વિદ્યાર્થીઓને શાળા પોતાના ઘરથી અમુક કિલોમીટરથી વધુ દુર થતી હોય તેને વાહનમાં જવા-આવવા માટે નાણાકીય સહાય બેંક એકાઉન્‍ટ મારફત આપવાની યોજના વિચારાધીન છે. ટુંક સમયમાં તેના નીતિ, નિયમો બને તેવી શકયતા છે. જે વિદ્યાર્થીઓ અધવચ્‍ચે અભ્‍યાસ છોડીને બીજા રાજયમાં જતા રહયા છે તેવુ માલુમ પડે તો તે અંગે ત્‍યાની રાજય સરકારને જાણ કરી સ્‍થળાંતરીત રાજયમાં શિક્ષણ મેળવે તેવો પ્રયાસ કરવામાં આવશે.

રાજય સરકાર દ્વારા ડ્રોપ આઉટની ટકાવારી ઘટાડવા માટે પ્રથમ વખત પધ્‍ધતિસર રાજયવ્‍યાપી બેક ટુ સ્‍કુલ અભિયાન ચલાવવામાં આવ્‍યું છે. આ વખતે તા.૧૮ થી ર૦ જુન શાળા પ્રવેશોત્‍સવ વખતે બહુ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓનું નામાંકન થાય તેવી ધારણા છે. 

(11:38 AM IST)