<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

બપોરે 1 થી 4 વાગ્યા સુધી ખુલ્લામાં કામ કરવા પર મુકાયો પ્રતિબંધ :રાજ્યમાં કાળઝાળ ગરમીના વધતા પ્રકોપ વચ્ચે સરકારનો મોટો નિર્ણય

શ્રમિકોને લૂ અને હીટવેવથી બચાવવા સરકારનો એક્શન પ્લાન :એપ્રિલ થી જૂન સુધી બાંધકામ સાઈટ પર પરિપત્રનું કરવું પડશે પાલન:નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે લેવાશે કડક પગલાં

અમદાવાદ :ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે. વધતી જતી ગરમી અને હીટવેવના જોખમને ધ્યાનમાં રાખીને શ્રમ આયુક્ત કચેરી દ્વારા શ્રમિકોના હિતમાં  અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના હજારો શ્રમિકોને લૂ અને ગરમીના પ્રકોપથી બચાવવા માટે બપોરના સમયે ખુલ્લામાં કામ કરવા પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે.

 

નવા પરિપત્ર મુજબ, એપ્રિલથી જૂન મહિના દરમિયાન જ્યારે ગરમી સૌથી વધુ હોય છે, ત્યારે બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે સીધા સૂર્યપ્રકાશમાં કે ખુલ્લામાં કોઈપણ પ્રકારનું કામ કરાવી શકાશે નહીં. આ આદેશ તમામ ઉદ્યોગો, બાંધકામ સાઈટ અને ખાસ કરીને મનરેગા (MNREGA) હેઠળ કામ કરતા શ્રમિકોને લાગુ પડશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમિકોને હીટ સ્ટ્રોક અને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓથી બચાવવાનો છે

શ્રમ આયુક્ત કચેરીએ તમામ જિલ્લા શ્રમ અધિકારીઓને આ પરિપત્રની કડક અમલવારી (Strict Implementation) કરાવવા માટે સૂચના આપી છે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે ઉદ્યોગ માલિક આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, કાર્યસ્થળ પર પીવાના ઠંડા પાણી અને છાંયડાની પૂરતી વ્યવસ્થા કરવા માટે પણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ માનવીય અભિગમથી ધોમધખતા તાપમાં પરસેવો પાડતા શ્રમિકોને મોટી રાહત મળશે.

(10:41 PM IST)