<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

બનાસકાંઠા પોલીસે ચોરીની અજીબ મોડસ ઓપરેન્ડી ધરાવતી 'છારા ગેંગ'નો પર્દાફાશ કર્યો, સૂત્રધાર સહિત બે સાગરીતો ઝડપાયા

ભીખ માંગવાના બહાને ઘરોમાં ઘૂસી રેકી કરી દિવસે બંધ મકાનોને નિશાન બનાવતી ગેંગ, પાલનપુર અને ડીસામાં 12થી વધુ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત, રોકડ અને દાગીના મળી 8 લાખનો મુદ્દામાલ કબજે

પાલનપુર, તા. 17  : બનાસકાંઠા જિલ્લા પોલીસે ચોરીની અજીબ મોડસ ઓપરેન્ડી ધરાવતી 'છારા ગેંગ'નો પર્દાફાશ કરીને ગેંગના સૂત્રધાર સહિત બે સાગરીતોની ધરપકડ કરી છે. આ ગેંગ ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં ફરીને બંધ ઘરોની રેકી કરતી હતી અને ત્યારબાદ દિવસના સમયે જ ચોરીને અંજામ આપતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી પાલનપુર અને ડીસા શહેરમાં દિવસે બંધ મકાનોમાં ચોરીના બનાવો વધી ગયા હતા. LCB અને SOGની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસને માહિતી મળી કે અમદાવાદના છારા નગર વિસ્તારની એક ગેંગ આ ચોરીઓમાં સંડોવાયેલી છે. 

 

પોલીસે વોચ ગોઠવીને ગઈકાલે પાલનપુર બસ સ્ટેન્ડ પાસેથી ગેંગના સૂત્રધાર રાજુ ઉર્ફે કાળિયો છારા અને તેના સાગરીત મહેશ છારાને ઝડપી લીધા હતા. પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ ટોળીમાં આવતા હતા. મહિલાઓ અને બાળકોને ભીખ માંગવા માટે સોસાયટીમાં મોકલતા હતા. આ દરમિયાન કયા ઘરો બંધ છે, ક્યાં તાળું છે અને આસપાસ કોઈ છે કે નહીં તેની માહિતી મેળવી લેતા હતા. ત્યારબાદ બપોરના 12 થી 4 વાગ્યાના સમયગાળામાં જ્યારે મોટાભાગના લોકો નોકરી કે ધંધા પર હોય ત્યારે તાળા તોડીને ચોરી કરતા હતા.

 

આરોપીઓએ પાલનપુરમાં 7 અને ડીસામાં 5 મળી કુલ 12થી વધુ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી છે. પોલીસે તેમની પાસેથી 3.5 લાખ રોકડા, 4.2 લાખના સોનાના દાગીના અને ચોરી કરવામાં વપરાતા સાધનો કબજે કર્યા છે. ગેંગના અન્ય ત્રણ સભ્યોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અમદાવાદ રવાના કરી છે. આરોપીઓ સામે અગાઉ પણ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ચોરીના ગુના નોંધાયેલા છે.

(4:56 PM IST)