<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ચૂંટણી પૂર્વે બનાસકાંઠા પોલીસનું મોટું ઓપરેશન : અમીરગઢ ચેકપોસ્ટ પરથી ₹34 લાખના ચરસ અને હથિયારો સાથે બે ઝડપાયા

બિહારથી વાયા રાજસ્થાન અમદાવાદ જતો નશીલા દ્રવ્યોનો જથ્થો પકડાયો : 13 કિલો ચરસ, પિસ્તોલ અને 16 કારતૂસ જપ્ત, નેટવર્ક ઉનાવા સુધી જોડાયેલું

બનાસકાંઠા:સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં વધારવામાં આવેલી સતર્કતા વચ્ચે બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન સરહદને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે લાખોની કિંમતના ચરસના જથ્થા અને ઘાતક હથિયારો સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જેની તપાસના તાર છેક અમદાવાદ અને ઉનાવા સુધી પહોંચ્યા છે.

 

ચેકપોસ્ટ પર તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો:

ચૂંટણીના માહોલમાં અશાંતિ ફેલાવવાની આશંકાએ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમીરગઢ ચેકપોસ્ટ પર શંકાસ્પદ વાહનોની તપાસ દરમિયાન પોલીસને 13 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનામાં પોલીસે બિહારના મુકેશ પ્રસાદ નામના શખ્સને ઘટનાસ્થળેથી દબોચી લીધો હતો, જ્યારે વિકી નામનો અન્ય એક શખ્સ પોલીસને થાપ આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.

 

ડ્રગ્સ સાથે હથિયારો મળતા પોલીસ ચોંકી ઉઠી:

ઝડપાયેલા આરોપી મુકેશ પ્રસાદની તલાશી લેતા પોલીસને તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ચૂંટણીના ગરમાવા વચ્ચે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ અને હથિયારો કયા ઈરાદે અને કયા ગુનાહિત કાવતરાના ભાગરૂપે લાવવામાં આવ્યા હતા, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

 

અમદાવાદમાં દરોડો - મુખ્ય રિસીવર જેલહવાલે:

મુકેશ પ્રસાદની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો ઉનાવાના મહમદ ખાલિદ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અમદાવાદમાં દરોડો પાડી મુખ્ય રિસીવર મહમદ ખાલિદની પણ ધરપકડ કરી છે. પોલીસે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹34.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાલ ફરાર આરોપી વિકીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ડ્રગ્સ અને હથિયારોના આ મસમોટા નેટવર્કનો પર્દાફાશ થતા ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

(5:24 PM IST)