<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ધડાકો... ધડાકો... ધડાકો... ૨૮મી મેના રોજ પાંચેય મહાનગરોમાં નવા સુકાનીઓની થશે જાહેરાત ?

રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત અને વડોદરા મનપાની સામાન્ય સભામાં નવા મેયર-ડેપ્યુટી મેયરના નામો પર લાગશે આખરી મહોર: રાજકીય ગરમાવો ચરમસીમાએ

 રાજકોટ : આગામી ૨૮મી મેનો દિવસ ગુજરાતના રાજકારણ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભારે ઉત્તેજનાભર્યો બની રહેશે. રાજકોટ સહિત રાજ્યની પાંચ મોટી મહાનગરપાલિકાઓ — જામનગર, ભાવનગર, સુરત અને વડોદરા — માં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા સુકાનીઓની નિમણૂક કરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ૨૮મી મેના રોજ આ તમામ મહાનગરોમાં ખાસ સામાન્ય સભા (જનરલ બોર્ડ) બોલાવવામાં આવી છે, જેમાં નવા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ગાંધીનગરથી આવશે 'મેન્ડેટ', દાવેદારોના જીવ અધ્ધર
મળતી વિગતો મુજબ, લોકસભા ચૂંટણીના પરિણામો અને સ્થાનિક રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા નામો આખરી કરી લેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ૨૮મી મેના રોજ સવારે સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે જ ગાંધીનગરથી બંધ પરબિડીયામાં 'મેન્ડેટ' પહોંચશે. શાસક પક્ષના પક્ષીય સંકલન સમિતિની બેઠકમાં આ નામો જાહેર કરાયા બાદ સામાન્ય સભામાં તેની સત્તાવાર જાહેરાત કરીને વરણી કરવામાં આવશે.

કોના શિરે તાજ? અટકળોનું બજાર ગરમ

આ સામાન્ય સભામાં માત્ર મેયર કે ડેપ્યુટી મેયર જ નહીં, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા-દંડક જેવા મહત્વના હોદ્દાઓ માટે પણ નવા ચહેરાઓ સામે આવી શકે છે. રાજકોટ સહિત પાંચેય શહેરોમાં સવારથી સાંજ સુધી માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે, "આ વખતે બાજી કોણ મારી જશે?" જ્ઞાતિગત સમીકરણો અને સંગઠનમાં વફાદારીના આધારે નામો નક્કી થયા હોવાની પ્રબળ સંભાવના છે.

નવા પદાધિકારીઓ સામે પડકારોનો પહાડ

૨૮મી મેના રોજ સત્તાવાર જાહેરાત થતાંની સાથે જ પાંચેય મહાનગરોને નવા શાસકો મળી જશે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે રાજકીય પારો પણ હાઈ લેવલે પહોંચ્યો છે. નવા વરાયેલા મેયર અને તેમની ટીમે આગામી સમયમાં ચોમાસાની પૂર્વતૈયારીઓ, પાણી વિતરણ વ્યવસ્થા અને શહેરોના વિકાસ કાર્યોને વેગ આપવા જેવા કપરા પડકારોનો સામનો કરવો પડશે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ ક્યા 'સરપ્રાઈઝ' ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળે છે!

(10:23 PM IST)