<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

કાલથી ગુજરાતમાં સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશેઃ ૧૫,૦૦૦ કરોડના વ્‍યવહારો પર થશે અસર

હડતાળ દરમિયાન રાજ્‍યભરની લગભગ ૫,૪૦૦ બેંક શાખાઓ બંધ રહેવાની ધારણા છે, જેમાં ૭૫,૦૦૦ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે

અમદાવાદ,તા.૧૦: રાજ્‍યમાં આવતીકાલથી ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. ફાઈવ ડે વીકની લાંબા સમયથી પેન્‍ડિંગ માગને લઈ મહાગુજરાત બેંક એમ્‍પલોઈઝ એસોસિએશન દ્વારા શુક્રવારે હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળમાં ૭૫,૦૦૦ કર્મચારીઓ જોડાશે. બેંકો બંધ રહેવાથી ૧૫,૦૦૦ કરોડના વ્‍યવહારો પર અસર થઈ શકે છે.બેંક કર્મચારીઓએ ત્રણ તબક્કામાં હડતાળનું આયોજન કરવામાં આવ્‍યું છે. સૂત્રોએ જણાવ્‍યું કે, જો માગણીઓ સ્‍વીકારવામાં નહીં આવે, તો કર્મચારીઓ ૨૮ થી ૩૦ સપ્‍ટેમ્‍બર દરમિયાન ફરીથી ત્રણ દિવસની હડતાળ કરશે. તેમ છતાં જો મુદ્દો નહીં ઉકેલાય તો ૨૬ ઑક્‍ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની યોજના પણ તૈયાર છે. ૨૮ થી ૩૦ સપ્‍ટેમ્‍બરની હડતાળ સોમવારથી બુધવાર સુધી રહેશે, જેના કારણે બેંકો સતત પાંચ દિવસ બંધ રહેશે, કારણ કે ૨૬ અને ૨૭ સપ્‍ટેમ્‍બરે ચોથો શનિવાર અને રવિવાર હોવાથી નિયમ મુજબ બેંકો બંધ રહેતી હોય છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, આ હડતાળના કારણે ગુજરાતમાં આશરે રૂ.૧૫,૦૦૦ કરોડના વ્‍યવહારો પ્રભાવિત થઈ શકે છે. હડતાળ દરમિયાન રાજ્‍યભરની લગભગ ૫,૪૦૦ બેંક શાખાઓ બંધ રહેવાની ધારણા છે, જેમાં ૭૫,૦૦૦ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે. જેના કારણે બેંકના ગ્રાહકોએ મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્‍યું કે, યુનિયનો દર મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાની હાલની વ્‍યવસ્‍થાને વિસ્‍તૃત કરીને તમામ શનિવારે રજા આપવાની માગ કરી રહ્યા છે. લેબર કમિશનર સાથે વારંવાર ચર્ચાઓ કરવા છતાં આ માગણીઓ સંતોષાઈ નથી. આ માગ માર્ચ ૨૦૨૪માં ઈન્‍ડિયન બેંક્‍સ એસોસિએશન અને બેંક યુનિયનો વચ્‍ચે થયેલી સમજૂતીનો ભાગ હતી. આ કરાર હેઠળ, કર્મચારીઓ બાકીના શનિવારોની રજાના બદલામાં સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ ૪૦ મિનિટ વધુ કામ કરવા સંમત થયા હતા. આ કરાર મંજૂરી માટે કેન્‍દ્રીય નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્‍યો છે. આ મંજૂરી બે વર્ષથી વધુ સમયથી પેન્‍ડિંગ છે.

(3:27 PM IST)