<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

BBAનો વિદ્યાર્થી ‘સ્‍માર્ટ' ગ્‍લાસથી પરીક્ષામાં ચોરી કરતો પકડાયો

રૂ.૧૦,૦૦૦નો દંડ અને એક વર્ષ સુધી વિષયની પરીક્ષા આપવા પ્રતિબંધ : ચશ્‍મા સાથે અજીબ હરકત કરતા વિદ્યાર્થી પર ફલાઇંગ સ્‍ક્‍વોડની નજર પડી, તપાસમાં AI સાથેના મેટા ગ્‍લાસિસથી પરીક્ષામાં ચોરીનો ખુલાસો

સુરત તા.૧૪: સુરતમાં પરીક્ષામાં ચોરી કરવા માટે ટેક્રોલોજીનો ઉપયોગ કરવાનો ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. વરાછા વિસ્‍તારમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સાથે સંલગ્ન કોલેજમાં પ્રથમ વર્ષના બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન (BBA)ના વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI)થી સજ્જ સ્‍માર્ટ ગ્‍લાસ પહેરીને પરીક્ષામાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફલાઇંગ સ્‍ક્‍વોડને વિદ્યાર્થીની શંકાસ્‍પદ હરકત નજરે પડતાં તપાસ કરવામાં આવી હતી. સમગ્ર મામલો બહાર આવ્‍યા બાદ વિદ્યાર્થીએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. હવે તેને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે  જે વિષયમાં ચોરી કરી હતી તેની પરીક્ષા પણ તે એક વર્ષ સુધી નહીં આપી શકે.

આ ઘટના માર્ચ-એપ્રિલમાં બની હતી, કોલેજમાં પ્રથમ વર્ષ ગ્‍ગ્‍ખ્‍ની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી પોતાના વાંચવાના ચશ્‍મા સાથે ‘‘અસામાન્‍ય રીતે છેડછાડ'' કરતો જોવા મળ્‍યો હતો. વિદ્યાર્થીની હરકત શંકાસ્‍પદ લાગતાં સ્‍ક્‍વોડે ચશ્‍માની વધુ તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્‍યું કે તે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સથી સજ્જ મેટા ગ્‍લાસિસ હતા.

ત્‍યારબાદ વિદ્યાર્થીને અલગ રૂમમાં લઈ જવામાં આવ્‍યો હતો. પ્રિન્‍સિપાલ અને પ્રોફેસરોની હાજરીમાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં આ ચશ્‍મા લાવ્‍યાનું સ્‍વીકાર્યું હતું. તેણે ચશ્‍મા કેવી રીતે કામ કરે છે તેનો ડેમો પણ આપ્‍યો હતો.

યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્‍યા મુજબ, ચશ્‍મામાં રહેલા કેમેરાથી પ્રશ્નપત્રનો ફોટો પાડીને એઆઇ પાસેથી જવાબ મેળવતો હતો. ચશ્‍મામાં રહેલા ઓપન ઇયર સ્‍પીકર મારફતે વિદ્યાર્થીને તે જવાબ સંભળાતા હતા. કોલેજના પ્રિન્‍સિપાલે ચશ્‍મા કબજે કરી લીધા હતા અને વિદ્યાર્થીને લેખિતમાં માફી માગવા માટે પણ કહ્યું હતું.

કેમેરા, માઇક્રોફોન અને સ્‍પીકરથી સજ્જ આ સ્‍માર્ટ ચશ્‍માની કિમત આશરે રૂ.૩૫,૦૦૦ જેટલી છે. આ ચશ્‍મા લગભગ એક અઠવાડિયા પહેલાં સુધી કોલેજ સત્તાવાળાઓની કસ્‍ટડીમાં રહ્યા હતા. વિદ્યાર્થીએ દંડ ભર્યા બાદ તેને ચશ્‍મા પરત કરવામાં આવ્‍યા હતા. Education

કોલેજના એક પ્રોફેસરે શુક્રવારે જણાવ્‍યું હતું કે વિદ્યાર્થીના માતા-પિતાને બોલાવવામાં આવ્‍યા હતા અને AIથી તૈયાર થતા જવાબોની સુવિધા ધરાવતા ચશ્‍માનો ઉપયોગ કરીને પરીક્ષામાં ચોરી કરવા બદલ વિદ્યાર્થીને રૂ.૧૦,૦૦૦નો દંડ ભરવા માટે કહેવામાં આવ્‍યું હતું. સાથે જ તેને જે વિષયની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો હતો તેની પરીક્ષા એક વર્ષ સુધી નહીં આપી શકે તેમ પણ જણાવાયું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. એન. ચાવડાએ પણ આવી ઘટના સામે આવી હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે સંબંધિત કોલેજ VNSGU સાથે સંલગ્ન છે, જોકે આ મામલે તેમની પાસે વધુ માહિતી નથી

(10:24 AM IST)