<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

અમદાવાદમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારવો ભારે પડ્યો : મહિલા પીએસઆઇ સોનલ રાઠોડ સસ્પેન્ડ

પ્રાથમિક તપાસમાં પોલીસ અધિકારીની વર્તણૂક અમાનવીય જણાતા અમદાવાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ કડક કાર્યવાહી કરાઈ: પોલીસ તંત્ર દ્વારા શિસ્તભંગ બદલ સસ્પેન્શનનો નિર્ણય લેવાયો

અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે પોલીસ દ્વારા કરાયેલી અમાનવીય વર્તણૂકનો મામલો સામે આવતા ભારે રોષ જોવા મળ્યો છે. આ ગંભીર ઘટનાને પગલે પોલીસ વડાએ તાત્કાલિક અસરથી કડક પગલાં લેતા મહિલા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દીધા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડ સામે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. એક દિવ્યાંગ વ્યક્તિ સાથે  થયેલી આ પ્રકારની હિંસક વર્તણૂકને લઈને માનવ અધિકારના મુદ્દાઓ પણ ચર્ચાઈ રહ્યા છે.

 

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક આ બાબતે તપાસના આદેશ આપ્યા હતા. પ્રારંભિક તપાસ અને ઘટનાના પ્રાથમિક રિપોર્ટના આધારે મહિલા PSI સોનલ રાઠોડની કામગીરી શિસ્તભંગની ગણવામાં આવી હતી. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે અમાનવીય કૃત્ય સાંખી લેવામાં આવશે નહીં.

(2:09 PM IST)