તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
મકાન કે ફ્લેટ ભાડે આપતા પહેલા જાણો ભાડુઆત પાસે ક્યાં કાગળો પર સહી કરાવવી અને કઈ સાવચેતી રાખવી ?
ભાડુઆતની પસંદગીમાં રાખેલી નાની સરખી બેદરકારી પણ મકાન માલિકને પોલીસ સ્ટેશન અને કોર્ટ-કચેરીના ચક્કરમાં ફસાવી શકે

અમદાવાદ : મકાન કે ફ્લેટ ભાડે આપીને વધારાની આવક મેળવવી ખૂબ જ સરળ છે, પરંતુ પૂરતી તપાસ વગર અજાણી વ્યક્તિને ઘર સોંપવું ભવિષ્યમાં મોટી મુશ્કેલી નોતરી શકે છે. ભાડુઆતની પસંદગીમાં રાખેલી નાની સરખી બેદરકારી પણ મકાન માલિકને પોલીસ સ્ટેશન અને કોર્ટ-કચેરીના ચક્કરમાં ફસાવી શકે છે. આથી, કાયદાકીય આફતોથી બચવા માટે ભાડુઆત પાસે કયા કાગળો પર સહી કરાવવી અને કઈ સાવચેતી રાખવી તે જાણવું ખૂબ જ જરૂરી છે.
સૌથી પહેલું અને મહત્ત્વનું પગલું છે ભાડુઆતનું પોલીસ વેરિફિકેશન. ઘણા રાજ્યો અને શહેરોમાં આ પ્રક્રિયા કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવી છે. વેરિફિકેશન કરાવવાથી ભાડુઆતની સાચી ઓળખ થાય છે અને તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તેની સ્પષ્ટતા થાય છે. જો ભાડુઆત ભવિષ્યમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલો માલૂમ પડે અને તમે તેનું વેરિફિકેશન ન કરાવ્યું હોય, તો કાયદાના સકંજામાં મકાન માલિક પણ આવી શકે છે. આ પ્રક્રિયાથી મકાન ખાલી ન કરવાની કે પાડોશીઓ સાથે ઝઘડો કરવાની સંભાવનાઓ ખૂબ ઘટી જાય છે.
બીજી મહત્ત્વની બાબત ઓળખ અને સરનામાના પુરાવા એકત્રિત કરવાની છે. ભાડુઆતને ચાવી સોંપતા પહેલાં તેના જરૂરી કાગળો જેવા કે ઓળખપત્ર, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટની ઝેરોક્ષ નકલ મેળવી લેવી જોઈએ. આ સાથે જ તેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને કાયમી સરનામાની વિગતો રાખવી જરૂરી છે. જો ભાડુઆત નોકરી કરતો હોય તો તેની ઓફિસનું આઈડી કાર્ડ અને સરનામું, અને જો વિદ્યાર્થી હોય તો કોલેજનું આઈડી તેમજ તેના માતા-પિતાના સંપર્ક નંબર મેળવીને પોતાના રેકોર્ડમાં સુરક્ષિત રાખવા જોઈએ.
માત્ર મૌખિક વાતચીતના આધારે ઘર ભાડે આપવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. હંમેશા નિયમ પ્રમાણે સ્ટેમ્પ પેપર પર લેખિત ભાડા કરાર બનાવવો જ જોઈએ. આ એગ્રીમેન્ટમાં માસિક ભાડાની રકમ, સિક્યોરિટી ડિપોઝિટ, દર મહિને ભાડું ચૂકવવાની નક્કી કરેલી તારીખ, તેમજ વીજળી અને પાણીના બિલ કોણ ભરશે તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. ઉપરાંત, ભવિષ્યમાં મકાન ખાલી કરાવવા માટેનો નોટિસ પિરિયડ કેટલો રહેશે તે પણ તેમાં લખવું જોઈએ. આ દસ્તાવેજ પર મકાન માલિક, ભાડુઆત અને બે સાક્ષીઓની સહીઓ હોવી અનિવાર્ય છે. જરૂરિયાત મુજબ આ કરારનું સરકારી રજિસ્ટ્રેશન પણ કરાવી લેવું હિતાવહ છે.
છેલ્લે, આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા રાખવા માટે ભાડું હંમેશા બેંક ટ્રાન્સફર, UPI કે ચેક દ્વારા જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી તમારી પાસે ચૂકવણીનો પાકો રેકોર્ડ રહે. સમય-સમય પર ભાડુઆતના સંપર્કમાં રહેવું અને જો તેઓ નોકરી કે મોબાઈલ નંબર બદલે તો નવો રેકોર્ડ અપડેટ કરી લેવો જોઈએ. કરારની સમયમર્યાદા પૂરી થતાં જ તેને રિન્યૂ કરાવવો અને નવો ભાડુઆત આવે ત્યારે ફરીથી વેરિફિકેશન કરાવવું એ જ સુરક્ષિત મકાન માલિક બનવાની સાચી ચાવી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
