<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

બેગાની શાદીમે અબ્‍દુલ્‍લા દિવાના..પંજાબી, અર્થની : ખબર નથી ને હઈસો-હઈસો કરીને દિલજીતને : સાંભળવા નીકળી પડેલી અમદાવાદી ‘જેન-ઝી'

દિલજીત દોસાંઝના કોન્‍સર્ટને લઇ Gen-Zમાં ભારે ક્રેઝ.!

અમદાવાદ,તા.૨૧: એક ગુજરાતી જૂની કહેવત છે કે જાનમાં કોઈ જાણે નહી ને કહે હુ વરની ફઈ..આવી જ સ્‍થીતી આજે અમદાવાદી જેન ઝીની થવાની છે. એક પણ પંજાબી શબ્‍દ નહી સમજતો ગુજરાતી યુવાન આજે પંજાબી ગીતો પર ઝુમી ઉઠવાનો છે.. અમદાવાદના રસ્‍તાઓ પર આજે સાંજે જે ટ્રાફિક જામ થવાનો છે, એ કોઈ નેતાની રેલી કે ભગવાનની રથયાત્રાનો નથી. આ ટ્રાફિક છે 'દિલ-લ્‍યુમિનાટી'નો! જી હા, પંજાબના સુપરસ્‍ટાર ગાયક દિલજીત દોસાંઝ આજે અમદાવાદના આંગણે પોતાના સૂર રેલાવવા આવી રહ્યા છે. શહેરના યુવાનો, ખાસ કરીને Gen-Z અને મિલેનિયલ્‍સમાં એવો તે ગાંડો ઉત્‍સાહ છે કે જાણે પંજાબનો કોઈ પિતરાઈ ભાઈ વર્ષો પછી સાસરેથી પિયર આવતો હોય!

પણ અહીં એક અત્‍યંત રસપ્રદ અને થોડો 'કોમિક' સવાલ ઊભો થાય છે. આ જે ગુજરાતી યુવાનો દસ-દસ, પંદર-પંદર હજાર રૂપિયાની ટિકિટો ખરીદીને, બ્‍લેકમાં પાસ મેળવીને, ગળામાં પાઘડી જેવા દુપટ્ટા વીંટાળીને 'પંજાબી મુન્‍ડા' અને 'કુડી' બનીને કોન્‍સર્ટમાં જઈ રહ્યા છે, એમાંથી કેટલા ટકા લોકોને ખરેખર પંજાબી ભાષા આવડે છે? જવાબ શૂન્‍યની આસપાસ જ ફરતો હશે! આપણે ગુજરાતીઓ એક એવી અદભુત પ્રજા છીએ, જેને માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્‍દી સિવાય ત્રીજી કોઈ ભાષામાં 'ક' કે 'ખ' ની પણ ખબર પડતી નથી. અંગ્રેજીમાં પણ આપણો હાથ જરા તંગ જ રહે છે, ત્‍યાં ઠેઠ અમૃતસર કે લુધિયાણાની 'ઠેઠ પંજાબી' આપણા ભેજામાં ક્‍યાંથી ઉતરવાની? છતાં, 'પટિયાલા પેગ', 'લવર', 'ગોટ' (G.O.A.T.) અને 'દોસાંઝાવાલા' જેવા ગીતો પર અમદાવાદનું યુવાધન એવું ઝૂમી રહ્યું છે કે જાણે દિલજીતના એકેએક શબ્‍દનો ગુઢાર્થ એમના હૃદય સોંસરવો ઉતરી ગયો હોય! આને જ કહેવાય, બેગાની શાદી મેં અબ્‍દુલ્‍લા દીવાના! વર કોણ છે, કન્‍યા કોણ છે, ફેરા કઈ દિશામાં ફરી રહ્યા છે એની કોઈ ગતાગમ નથી, પણ અબ્‍દુલ્‍લાભાઈ ઢોલના તાલે નાચી-નાચીને પરસેવે રેબઝેબ થઈ ગયા છે! તમે કોઈ અમદાવાદી યુવાનને પૂછો કે, ભાઈ, દિલજીતના પેલા 'લેમનડે' કે 'બોર્ન ટુ શાઈન' ગીતનો અર્થ શું થાય? તો એ પહેલા તો તમારી સામે એવી રીતે જોશે જાણે તમે કોઈ બીજા ગ્રહ પરથી આવ્‍યા હોવ. પછી પોતાની આબરૂ બચાવવા કહેશે, યાર, એમાં ફીલિગ જોવાની હોય, લિરિક્‍સ થોડા જોવાના હોય? વાઈબ (Vibe) મેચ થવી જોઈએ! આ 'વાઈબ' નામનો શબ્‍દ આજકાલની પેઢી માટે બહુ મોટું બહાનું બની ગયો છે. અર્થ સમજાય કે ન સમજાય, બસ કાનના પડદા ફાડી નાખે એવું લાઉડ મ્‍યુઝિક વાગવું જોઈએ, બેઝ (Bass) છાતીમાં ધબકવો જોઈએ અને હાથ ઊંચા કરીને 'હઈસો-હઈસો' કરવા મળવું જોઈએ. પંજાબી ગીતોમાં ગાયક કદાચ પોતાના ગામના સરપંચની ફરિયાદ કરતો હોય, ખેતરમાં પાણી વાળવાની વાત કરતો હોય કે પછી કોઈ જૂની દુશ્‍મની કાઢવાની ધમકી આપતો હોય, આપણા અમદાવાદી યુવાનોને તો એમાં પણ 'રોમેન્‍ટિક વાઈબ' જ આવે છે!

નવાઈની વાત એ છે કે જે યુવાન પોતાના ઘરે મમ્‍મી-પપ્‍પા પાસેથી બૂટ લેવા માટે બે હજાર રૂપિયા માંગતા પહેલા દસ વખત વિચાર કરે છે, અથવા તો ગુજરાતી નાટક કે સુગમ સંગીતના કાર્યક્રમની બસો રૂપિયાની ટિકિટને 'મોંઘી' ગણાવીને પાસ માટે ઓળખાણો શોધે છે, એ જ યુવાન દિલજીતના કોન્‍સર્ટ માટે પંદર હજાર રૂપિયા ખર્ચતા અચકાતો નથી. આ પૈસા સંગીત માટે નથી ખર્ચાતા, આ પૈસા ખર્ચાય છે FOMO (Fear Of Missing Out) એટલે કે બીજા બધા જાય છે અને હું રહી જઈશ તો? એવા માનસિક ડરને સંતોષવા માટે! તો સવાલ એ થાય કે આખરે આ આખો માહોલ ઊભો કોણ કરી રહ્યું છે? શું દિલજીત દોસાંઝની લોકપ્રિયતા ખરેખર એટલી બધી છે કે ગુજરાતના ખૂણેખૂણેથી યુવાનો ગાંડા થઈને દોડી રહ્યા છે? ના, આની પાછળ એક બહુ મોટું, સુવ્‍યવસ્‍થિત અને કરોડો રૂપિયાનું 'માર્કેટિગ અને PR મશીન' કામ કરી રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં કોઈ પણ વસ્‍તુને 'ટ્રેન્‍ડિંગ' બનાવવી એ ડાબા હાથનો ખેલ છે. કોન્‍સર્ટના છ મહિના પહેલાથી જ પીઆર એજન્‍સીઓ સક્રિય થઈ જાય છે. સૌથી પહેલા તો સોશિયલ મીડિયા પર 'આર્ટિફિશિયલ સ્‍કેરસિટી' ઊભી કરવામાં આવે છે. ટિકિટ બુકિગ ખુલે એની દસ જ મિનિટમાં 'સોલ્‍ડ આઉટ'ના બોર્ડ મારી દેવામાં આવે છે. માનવ સ્‍વભાવ છે કે જે વસ્‍તુ ન મળતી હોય, એના પ્રત્‍યે આકર્ષણ વધે. જેવું 'સોલ્‍ડ આઉટ' દેખાય એટલે તરત જ યુવાનોમાં ફફડાટ ફેલાય કે ઓહ! આ તો બહુ મોટી ઈવેન્‍ટ લાગે છે, મારે પણ જવું જ પડશે.

ત્‍યારબાદ મેદાનમાં ઉતરે છે શહેરના કહેવાતા 'સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર્સ'. આ એવા લોકો છે જેમને પૈસા આપો તો એ કડવા કારેલાના જ્‍યુસને પણ 'અમૃત' કહીને પી જાય! આ ઈન્‍ફલુએન્‍સર્સ મહિના પહેલાથી જ રીલ્‍સ બનાવવાનું શરૂ કરી દે છે,અમદાવાદ, આર યુ રેડી?, દિલજીત કોન્‍સર્ટ આઉટફિટ આઈડિયાઝ, વ્‍હોટ ઈઝ ઈન માય બેગ ફોર દિલજીત કોન્‍સટ. બસ, આ રીલ્‍સ જોઈ-જોઈને સામાન્‍ય યુવાનોનું બ્રેઈનવોશ થઈ જાય છે. એમને લાગે છે કે જો આ કોન્‍સર્ટમાં જઈને ઈન્‍સ્‍ટાગ્રામ પર સ્‍ટોરી નહીં મૂકીએ, તો સમાજમાં આપણું સ્‍ટેટસ ઝીરો થઈ જશે! એટલે આ કોન્‍સર્ટ સંગીત સાંભળવા માટે નહીં, પણ 'સોશિયલ મીડિયા પર દેખાડો કરવા' માટેનો એક સ્‍ટુડિયો બની ગયો છે. આ બધી મજાક-મસ્‍તી અને કટાક્ષની વચ્‍ચે એક અત્‍યંત ગંભીર અને ચિતાજનક પાસું પણ છુપાયેલું છે. દુનિયાના ઈતિહાસમાં એક નિયમ બહુ સ્‍પષ્ટ છે જે પ્રજા પોતાના મૂળ, પોતાના ગીતો, પોતાની બોલી અને પોતાની ભાષાને ભૂલીને પારકી ભાષા અને કલ્‍ચર પાછળ આંધળી દોટ મૂકે છે, એ પ્રજાની ભાષા અને સંસ્‍કૃતિ લાંબો સમય ટકતી નથી. આજે આપણા ગુજરાતી યુવાનોને પૂછો કે કવિ નર્મદ કોણ હતા, ઝવેરચંદ મેઘાણીના ચારણકન્‍યા કે કસુંબીનો રંગમાં શું તાકાત છે, કે પછી આપણા લોકસાહિત્‍યના ભજનો અને દુહા-છંદમાં કેવી મજા છે,તો એમને 'બોરિગ' લાગશે. ગુજરાતી ગાયકોના ડાયરા કે સુગમ સંગીતના કાર્યક્રમોમાં જવા માટે એમને શરમ આવે છે, કારણ કે એ 'કૂલ' ( Cool) નથી લાગતું! આપણી પાસે ગરબા જેવું વિશ્વનું સૌથી મોટું અને સમૃદ્ધ સંગીત કલ્‍ચર છે, આપણી પાસે દયારામ, નરસિહ મહેતાથી લઈને આધુનિક ગુજરાતી ગઝલો અને લોકગીતોનો અખૂટ ખજાનો છે. પરંતુ કમનસીબી એ છે કે ગુજરાતી યુવાનોને પોતાના ઘરના 'લાડવા' કરતા પારકા ઘરનો 'લુખ્‍ખો રોટલો' વધુ સ્‍વાદિષ્ટ લાગી રહ્યો છે. પંજાબીઓ પર ગર્વ થવો જોઈએ કે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે જાય, પોતાની ભાષા, પોતાની પાઘડી અને પોતાના સંગીતને ક્‍યારેય છોડતા નથી. એમણે પોતાની ભાષાને એટલી મજબૂત બનાવી કે આજે અમદાવાદનો ગુજરાતી યુવાન પણ પંજાબી ગીતો પર નાચે છે. પણ આપણે શું કર્યું? આપણે આપણી જ ભાષાને 'ગામડિયા' ગણીને હાંસિયામાં ધકેલી દીધી. જો આ જ રીતે ચાલતું રહ્યું અને નવી પેઢી માત્ર પારકા સંગીત અને અર્થ વગરના ઘોંઘાટમાં જ રાચતી રહેશે, તો આવનારા દાયકાઓમાં ગુજરાતી ભાષા માત્ર પુસ્‍તકો અને સરકારી દફતરો પૂરતી જ સીમિત રહી જશે. આજે સાંજે દિલજીત દોસાંઝના કોન્‍સર્ટમાં અમદાવાદ ચોક્કસ ઝૂમશે, નાચશે અને ઈન્‍સ્‍ટાગ્રામ પર લાખો સ્‍ટોરીઝ અપલોડ થશે. પણ જ્‍યારે કાલે સવારે કોન્‍સર્ટનો નશો ઉતરશે, કાનનો બહેરાશ ઓછો થશે અને બેંક એકાઉન્‍ટનું બેલેન્‍સ તળિયે દેખાશે, ત્‍યારે કદાચ કોઈ એકાદ સમજદાર યુવાનને વિચાર જરૂર આવશે કે, ગઈકાલે રાત્રે હું જે ગીત પર પાગલ થઈને નાચતો હતો, એનો અર્થ શું થતો હતો? અને કદાચ એ સવાલનો જવાબ શોધવા માટે પણ એણે ગૂગલ ટ્રાન્‍સલેટનો જ સહારો લેવો પડશે!

 

(3:39 PM IST)