તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
રાજ્યની શ્રેષ્ઠ ૧૨ ITIનું શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કરાયું સન્માન
યુવાનોને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં ITIની ભૂમિકા મહત્વની: શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા:રાજ્યની ITIને મોડેલ સંસ્થા બનાવી યુવાનોને રોજગારી માટે સજ્જ કરવા સરકાર કટિબદ્ધ: રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા: વર્ષ ૨૦૨૫-૨૬ માટે બીલીમોરા, પાલનપુર અને જામનગર ITI અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા: ચેક અને એવોર્ડ આપી કરાયા પ્રોત્સાહિત

ગાંધીનગર :રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારી કુલ ૧૨ ITI સંસ્થાઓનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે બીલીમોરા ITI પ્રથમ ક્રમે, પાલનપુર ITI દ્વિતીય અને જામનગર ITI તૃતીય ક્રમે વિજેતા બની છે. પ્રથમ ક્રમે આવેલી સંસ્થાને રૂ. ૧૧ લાખ, દ્વિતીય ક્રમે રૂ. ૯ લાખ અને તૃતીય ક્રમે આવેલી સંસ્થાને રૂ. ૫ લાખના ચેક અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ રકમનો ઉપયોગ જે-તે સંસ્થાના ભવિષ્યના શૈક્ષણિક અને માળખાગત વિકાસ માટે કરવામાં આવશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પારદર્શક રીતે આપવામાં આવેલા આ એવોર્ડસ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
વધુમાં, રાજ્યમાં તજજ્ઞોની કમિટિ દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે વર્ષ ૨૦૨૨-૨૩ માટે મણીનગરની ITI પ્રથમ, સુરત ITI દ્વિતીય અને અમરેલી ITI તૃતીય ક્રમે, વર્ષ ૨૦૨૩-૨૪ માટે તળાજા ITI પ્રથમ, ગોતા-રાણીપ ITI દ્વિતીય અને ગોરવા મહિલા-ITI તૃતીય ક્રમે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરસપુર ITI પ્રથમ, વ્યારા ITI દ્વિતીય અને તરસાલી ITIએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં ITIના ફાળાને બિરદાવવા અને કૌશલ્ય વર્ધનને વેગ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં વિજેતા સંસ્થાઓને અભિનંદન પાઠવતા શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ એ માત્ર સન્માન નથી પણ આવનારા દિવસો માટેની વિશેષ જવાબદારી છે. આપણું રાજ્ય જે રીતે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ સક્ષમ મેનપાવર તૈયાર કરવો એ આપણી નૈતિક ફરજ છે. યુવક-યુવતીઓને આધુનિક ટેકનોલોજી સાથે સુસજ્જ કરી તેમને ઉદ્યોગ જગત માટે તૈયાર કરવા પર મંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો.
મંત્રી બાવળીયાએ કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં ITIની ભૂમિકા મહત્વની હોય છે. જેમ મંદિર બનાવ્યા પછી તેમાં મૂર્તિની સ્થાપના ન થાય તો તે માત્ર પથ્થરનું માળખું જ રહે છે, તેમ માત્ર સરસ મજાના બિલ્ડીંગો બનાવવાથી ITIનો હેતુ સિદ્ધ થતો નથી, પરંતુ તેમાં કાર્યરત આચાર્યશ્રીઓ, ઇન્સ્ટ્રક્ટરો અને સ્ટાફ એ 'પૂજારી' સમાન છે, જેમણે વિદ્યાર્થીઓ રૂપી મૂર્તિમાં કૌશલ્યના પ્રાણ ફૂંકવાના છે.
મંત્રીએ કહ્યું હતું કે, કુશળ માનવબળ ઉપલબ્ધ હોય ત્યારે જ ઉદ્યોગોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે, જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક યોજનાઓ થકી યુવાઓમાં કૌશલ્ય વિકાસને ખૂબ મહત્વ આપી રહ્યા છે. જેને અનુસંધાને યુવાધનને યોગ્ય પ્લેટફોર્મ અને સ્કીલ ટ્રેનિંગ પૂરી પાડીને તેમને પગભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પણ સતત કાર્ય કરી રહી છે.
મંત્રીએ ઉમેર્યું કે, તાજેતરમાં એક સંસ્થાની મુલાકાત દરમિયાન ITIના તાલીમાર્થીઓને મિકેનિકલ અને અન્ય ટેકનિકલ ક્ષેત્રમાં જે રીતે ઉચ્ચ કક્ષાની કામગીરી કરતા જોયા તે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. આપણા યુવાનોમાં અપાર શક્તિ અને આવડત છુપાયેલી છે, માત્ર તેને યોગ્ય દિશામાં વાળવાની જરૂર છે. ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા અનુભવી કારીગરોથી પણ વિશેષ કૌશલ્ય આજના યુવાનો દાખવી રહ્યા છે, જે ઉજ્જવળ ભવિષ્યના સંકેત છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ શ્રેષ્ઠ ITI એવોર્ડ સમારંભ પ્રસંગે મંત્રીએ વિજેતા સંસ્થાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ITI માત્ર તાલીમ કેન્દ્રો જ નહીં, પરંતુ યુવાનોના ભવિષ્યને આકાર આપનારી મહત્વની સંસ્થાઓ છે. ITIમાંથી તાલીમ મેળવીને નીકળતા વિદ્યાર્થીઓને માસિક ૩૦ હજારથી ૫૦ હજાર સુધીનો પગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. આવા સફળ વિદ્યાર્થીઓને બોલાવીને અન્ય એવોર્ડ અપાવી તેમને પ્રોત્સાહિત કરવાની નવી પરંપરા શરૂ કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.
વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ રોજગારી મળી શકે તે માટે તેમના જ વિસ્તારમાં જે ઉદ્યોગો વધુ કાર્યરત હોય તેના અનુરૂપ કોર્સ ITIમાં શરૂ કરવા પર મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો, ITIના વિકાસ અને નવા કોર્સ શરૂ કરવા માટે અંદાજે રૂ. ૨ હજાર કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ કરી દરેક ITIને 'મોડેલ ITI' બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
મંત્રીએ જણાવ્યું કે, હાલમાં વિદેશોમાં પ્લમ્બર, ગેસ રીપેરીંગ અને ટાઇલ્સ ફિટિંગ જેવા ટેકનિકલ કૌશલ્યો ધરાવતા લોકોની મોટી માંગ છે. આવા ટૂંકા ગાળાના કોર્સ દ્વારા યુવાનોને વૈશ્વિક સ્તરે રોજગારી મળે તેવું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અભ્યાસ છોડી દેતા ડ્રોપ-આઉટ વિદ્યાર્થીઓને કુશળ બનાવી રોજગારી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી પહેલ હાથ ધરવામાં આવશે. આ ડ્રોપ-આઉટ યુવાધનને અનસ્કિલ કામો કે અસામાજિક પ્રવૃત્તિઓથી બચાવવા માટે તેમને સ્કિલ ડેવલપમેન્ટ સાથે જોડવા અનિવાર્ય છે. જેથી ITI દ્વારા શાળાઓ સાથે સંકલન સાધીને આવા બાળકોને આઈડેન્ટિફાય કરીને ITIમાં ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવશે.
વધુમાં, સચિવએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની ‘પીએમ સેતુ’ યોજના હેઠળ રાજ્યની ૬૦ ITIને રૂ. ૨,૮૦૦ કરોડથી વધુના ખર્ચે આર્ટ ઓફ સ્કિલિંગ સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેબનું અપગ્રેડેશન, નવી બિલ્ડિંગોનું નિર્માણ અને હયાત માળખાના મેન્ટેનન્સ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક ઇન્ડસ્ટ્રી ક્લસ્ટર સાથે ટાઈ-અપ કરી ઉદ્યોગોની માંગ મુજબના કોર્સ તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રે જાહેર થયેલા નવા પ્રોજેક્ટ્સને ધ્યાને રાખી અમદાવાદ અને આસપાસની ITIમાં સેમીકન્ડક્ટર સ્પેશિયલ કોર્સ શરૂ કરી યુવાનોને ૧૦૦ ટકા પ્લેસમેન્ટ મળે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રમ-રોજગાર નિયામક નીતિન સાંગવાને સ્વાગત પ્રવચન તથા નાયબ નિયામક મયુરીબેન પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં કૌશલ્ય વિકાસ નિયામક કમલેશ રાઠોડ, અધિક નિયામક-તાલીમ સુશ્રી નીલાંજસા રાજપૂત, અધિક નિયામક-રોજગાર ચંદ્રેશકુમાર રાઠવા સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ ITI સંસ્થાઓના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
