News of Friday, 17th April 2026
સુરત જિલ્લા ભાજપમાં ભડકો :ટિકિટ નહિ મળતા પાર્ટી સામે બળવો કરનાર ભોળા ભરવાડ સહિત 4 સભ્યો સસ્પેન્ડ કરાયા
ટિકિટ ફાળવણીના વિવાદમાં મધરાતે થયેલો હંગામો બાદ ભોળા ભરવાડ સહિતના સભ્યો દ્વારા લેવાયેલા આઘાતજનક નિર્ણયે હાઈકમાન્ડને એક્શન લેવા મજબૂર કર્યું

સુરત:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ ફાળવણીને લઈને અસંતોષની જ્વાળાઓ જોવા મળી રહી છે. સુરત જિલ્લાના કડોદરા ચલથાણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સામે બળવો પોકારનારા કાર્યકરો સામે સંગઠને લાલ આંખ કરી છે. શિસ્તના આગ્રહી ગણાતા ભાજપમાં શિસ્તભંગ બદલ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખે કડોદરા ચલથાણ નગર ભાજપ સંગઠનના 4 સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ સભ્યોમાં જાણીતા નેતા ભોળા ભરવાડનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી આગામી 6 વર્ષ માટે કરવામાં આવી છે, જે સુરત ભાજપના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે નગર ભાજપ સંગઠન કાર્યાલય પર ટિકિટ ફાળવણી મુદ્દે ભારે હંગામો થયો હતો. ભોળા ભરવાડ અને તેમના સમર્થકોને અપેક્ષા હતી કે પક્ષ તેમને ટિકિટ આપશે, પરંતુ ટિકિટ ન મળતા તેઓએ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કર્યો હતો. આટલું જ નહીં, પક્ષની મર્યાદા ઓળંગીને તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રકારની શિસ્તહીન પ્રવૃત્તિને ગંભીરતાથી લઈને જિલ્લા ભાજપ પ્રમુખે આકરા પગલાં ભર્યા છે. આ કાર્યવાહીથી અન્ય અસંતુષ્ટ કાર્યકરોમાં પણ કડક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
