<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

ગાંધીનગરના લોકભવન ખાતે ઘર આઈ નન્હી પરી ફાઉન્ડેશન દ્વારા ભારત એઆઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સરપંચોને મોડેલ ગામ બનાવવા ત્યાગ અને સંકલ્પ સાથે કામ કરવા કર્યું આહવાન

રાસાયણિક ખેતીથી જમીન પથ્થર બની, ભુગર્ભ જળ દૂષિત થયા અને પોષક તત્વો નષ્ટ થયા, પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર સમાધાન : પંચાયતી રાજ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ૩ સરપંચોને એ.આઈ. એમ્બેસેડર સન્માન અપાયા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ઘર આઈ નન્હી પરી ફાઉન્ડેશન દ્વારા ભારત એઆઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ સરપંચોને પોતાના ગામડાઓને આદર્શ, સમૃદ્ધ અને સ્વસ્થ બનાવવા માટે દાર્શનિક અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઈશ્વરે ગામના વડા બનવાનો અમૂલ્ય અવસર આપ્યો છે ત્યારે હોદ્દા કે પદ કરતાં વધુ મહત્વનું એ છે કે તે પદ પર રહીને સમાજ માટે શું યોગદાન આપવામાં આવે છે. ભગવાન રામ, કૃષ્ણ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને ભગતસિંહ જેવા મહાપુરુષો આજે પણ હૃદયમાં જીવંત છે કારણ કે તેમણે શ્રેષ્ઠ કર્મોની છાપ છોડી છે. સરપંચોએ પણ પોતાના ગામને મોડેલ ગામ બનાવવા ત્યાગ અને સંકલ્પ સાથે કાર્ય કરવું જોઈએ.

 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઘર આઈ નન્હી પરી ફાઉન્ડેશનના સંસ્થાપક ડૉ. એભા પટેલના કાર્યોની સરાહના કરતાં કહ્યું હતું કે, પ્રતિષ્ઠિત હોદ્દો છોડીને દેશના ગામડે-ગામડે દીકરીઓના રક્ષણ, શિક્ષણ અને કલ્યાણ માટે કામ કરવું એ બહુ મોટી સેવા છે. આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને યુનિવર્સિટીઓમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રોશન કરી રહી છે.

 

ખેતી અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, ૧૨ કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ રાસાયણિક ખેતીના કારણે દેશમાં ઉત્પન્ન થતા ઘઉં અને ચોખામાં ૪૫% પોષક તત્વો નષ્ટ થઈ ગયા છે અને તેમાં આર્સેનિક જેવા હાનિકારક તત્વો ભળી ગયા છે. યુરિયામાંથી બનતો નાઇટ્રસ ઓક્સાઇડ ગેસ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો વધુ ખતરનાક છે, જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ભુગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધતાં પાણી પીવા લાયક રહ્યું નથી.

 

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય અને દેશી અળસિયા આધારિત ભારતની પરંપરાગત કૃષિ પદ્ધતિ છે. તેનાથી જમીનમાં અળસિયા વધે છે જે ૮-૧૦ ફૂટ ઊંડા દરો બનાવીને વરસાદી પાણીને જમીનમાં ઉતારે છે, જેથી કુદરતી જળ સંચય થાય છે અને ઓર્ગેનિક કાર્બન વધતાં ઉત્પાદન વધે છે તથા ખર્ચ શૂન્ય થઈ જાય છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બનાવ્યું છે. તેમણે સરપંચોને પોતાના પરિવારથી શરૂઆત કરી ગામમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આહવાન કર્યું હતું.

 

આ પ્રસંગે પંચાયતી રાજ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચાયતોનું મિશન બદલી નાખ્યું છે. ગુજરાતની ૧૪,૨૩૧ ગ્રામ પંચાયતોને ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ અને આધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવી છે. તેમણે સરપંચોને નાના ચેકડેમ અને નાળા બનાવીને વરસાદી પાણીનું રિચાર્જિંગ કરવા તથા ગ્રામસભાઓમાં પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ યોજવા અપીલ કરી હતી. ગુજરાત સરકાર દ્વારા દેશી ગાયના પાલન માટે ખેડૂતોને દર મહિને રૂ. ૯૦૦ ની આર્થિક સહાય આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીથી જમીન બંજર થતી અટકે છે, વિદેશી મુદ્રાનો બચાવ થાય છે અને આગામી પેઢીને સ્વસ્થ ભવિષ્ય મળશે.

 

કાર્યક્રમમાં પૂર્વ સાંસદ તથા કિસાન મોરચા અને મહેસાણા ભાજપ પ્રભારી જુગલસિંહ ઠાકોર તથા ઘર આઈ નન્હી પરી ફાઉન્ડેશનના સંસ્થાપક ડૉ. એભા પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યશાળા દરમિયાન રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અને સક્ષમ પંચાયત અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ૩ સરપંચોને એ.આઈ. એમ્બેસેડર સન્માન અને ટેબ્લેટ આપી સન્માનિત કરાયા હતા.

 

આ રાષ્ટ્રીય કાર્યશાળામાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોવર્ધનભાઈ ઝડફિયા, ઘર આઈ નન્હી પરી ફાઉન્ડેશનના માર્ગદર્શક સંતોષભાઈ પટેલ તથા ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ રાજ્યમાંથી આવેલા સરપંચો, પંચાયતી રાજના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:52 PM IST)