<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

માહિતી કમિશનરની કચેરીની ઈલેક્ટ્રોનિક મીડિયા શાખાના વય નિવૃત્ત થતા સેવક ભરતભાઈ મકવાણાને અપાયું વિદાયમાન

માહિતી કમિશનર કે.એલ.બચાણીએ ખૂબ સન્માન પૂર્વક નિવૃત્તિનો ઓર્ડર એનાયત કરી ભાવભીની નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી

ગાંધીનગર : માહિતી કમિશનર કચેરીની ઈલેક્ટ્રોનિક મીડિયા શાખાના સેવક તરીકે ફરજ બજાવતા કર્મયોગી ભરતભાઈ મકવાણાએ ૩૬ વર્ષથી વધુની સેવાકાળ દરમિયાન પોતાની ફરજો સુપેરે બજાવી છે. તેઓએ તેમની સેવાની શરૂઆતથી લઈને અત્યાર સુધી વિવિધ કચેરીઓમાં પોતાની શ્રેષ્ઠ સેવાઓ આપી છે.
માહિતી કમિશનર કે.એ.બચાણીની અધ્યક્ષતામાં યોજાયેલી સાંજની બેઠકમાં વય નિવૃત્ત થતા સેવક કર્મયોગી ભરતભાઈ મકવાણાને ખૂબ સન્માન પૂર્વક નિવૃત્તિનો ઓર્ડર એનાયત કરી ભાવભીની નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગે અધિક માહિતી નિયામક ગઢવી, સંયુક્ત માહિતી નિયામક જયેશ દવે, ઈલેક્ટ્રોનિક મીડિયા શાખાના નાયબ માહિતી નિયામક પારુલ મણિયાર, નાયબ કાર્યપાલક ઈજનેર કિરીટ બેન્કર અને સહાયક માહિતી નિયામક શૈલેશ બલદાણીયા સહિતના વિવિધ શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઇલેક્ટ્રોનિક મીડિયા શાખા ખાતે યોજાયેલ વિદાય સમારંભ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા તેમને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી ભરતભાઈ મકવાણાનું સન્માન કરાયું હતું. આ વેળાએ 

ભરતભાઈએ તેમની સેવાકાળની ફરજ પ્રત્યેની કાર્યનિષ્ઠા સાથે જુના સંસ્મરણો વાગોળી ફરજ અંગે સંતોષની લાગણી વ્યકત કરી હતી. તેઓનું નિવૃત્ત જીવન સુખી, સ્વસ્થ, સમૃદ્ધ નીવડે અને તેઓ પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરે તેવી સૌએ શુભકામના પાઠવી હતી.
 ભરતભાઈ મકવાણાએ સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માહિતી કચેરીમાં કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે અને સૌએ પરિવાર જેવી ભાવના રાખી છે. તેમણે નોકરી દરમિયાન દરેક લોકો સાથે સુમેળભર્યા સંબધો જાળવી રાખવા તેમજ દરેકનું માન જળવાય તે રીતે કચેરીના તમામને આવકારવા જણાવ્યું હતું. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક મીડિયા શાખાના તમામ કર્મયોગીઓ સહિત ભરતભાઈ મકવાણાના કુટુંબીજનો પણ ઉપસ્થિત રહ્યાં હતા

(6:54 PM IST)