<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ભરૂચ ACBની ટ્રેપ: જૂનિયર એન્જિનિયર જમીનના અભિપ્રાય માટે 1000ની લાંચ માંગતા ઝડપાયો

GETCOના ડેપ્યુટી એન્જિનિયર પ્રજેશભાઈ ગડરીયાએ ‘કામ મારી ઓફિસે આવી એક હજાર લઇને આવજો’ કહી માંગી લાંચ; તલાટી કમ મંત્રીના સિક્કા કરાવવાની શરતે રૂપિયા માંગ્યા

ભરૂચ તા.૧: લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, ભરૂચ દ્વારા GETCO જંબુસર સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જૂનિયર એન્જિનિયર પ્રજેશભાઈ બલદેવભાઈ ગડરીયાને 1000 રૂપિયાની લાંચની માંગણી બદલ ઝડપી પાડવામાં આવ્યા છે.

 

આ કામના ફરિયાદીએ પોતાના માલિકીની જમીન અંગે કરબા માટે કલેક્ટરને અરજી કરેલ હતી. અરજીના અભિપ્રાય માટે કાર્યપાલક ઇજનેરે જંબુસર ખાતે ફરજ બજાવતા આરોપી પ્રજેશભાઈ ગડરીયાનો મોબાઈલ નંબર આપેલ. ફરિયાદીએ ટેલિફોનિક સંપર્ક કરતા આરોપીએ જણાવેલ કે, “તમારા બિનખેતી પ્રકરણ માટે અમારી કચેરીના અભિપ્રાય માટે આવેલ હોય તો અમારે તમારી જગ્યાનું નિરીક્ષણ કરવાનું છે” તેમ જણાવી બાદમાં જગ્યાની વિઝિટ કરેલ અને જરૂરી કાગળો ફરિયાદીને આપી તલાટી કમ મંત્રીના સહી સિક્કા કરાવવા જણાવેલ.

 

ફરિયાદીએ તલાટી કમ મંત્રી પાસે ગયા બાદ આરોપી જૂનિયર એન્જિનિયર પ્રજેશભાઈ ગડરીયાએ ટેલિફોનિક સંપર્ક કરતા કહ્યું કે “કામની મારી ઓફિસે આવી જજો અને ફરિયાદીનું કામ કર્યા બદલ એક હજાર લઇને આવજો.” લાંચની માંગણી અંગેની હકીકતની વાતચીતનું ફરિયાદીએ મોબાઇલમાં રેકોર્ડિંગ કરેલ. જેના આધારે ફરિયાદીએ ACB ભરૂચ ખાતે ફરિયાદ આપતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

 

દરમિયાન છટકાનું આયોજન કરતા ફરિયાદીએ પોતાના મોબાઇલ ફોન ઉપરથી આરોપી જૂનિયર એન્જિનિયરને ટેલિફોનિક સંપર્ક કરતા તેણે “હુ વિશાલત ગામે નિકળુ છુ તો તમે તમારા પ્રકરણના કાગળો મારા ટેબલ ઉપર મૂકી દેજો.” તેમ જણાવેલ હતું. જેથી લાંચનું છટકું નિષ્ફળ રહેવા પામેલ હતું.

 

બાદમાં થયેલી તપાસમાં ફરિયાદીના નિવેદન તથા વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપી પ્રજેશભાઈ બલદેવભાઈ ગડરીયા, જૂનિયર એન્જિનિયર, જેટકો જંબુસર સબ સ્ટેશન, તા. જંબુસર જી. ભરૂચ વર્ગ-2 હાલ ડેપ્યુટી એન્જિનિયર જેટકો બોડેલી તા. બોડેલી જી. છોટાઉદેપુર વર્ગ-1 નાઓએ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી, જાહેર ગેરવર્તણૂંક આચરી, અનુચિત લાભ મેળવવાના હેતુથી ફરિયાદી પાસે અભિપ્રાય આપવા માટે ગેરકાયદેસર રીતે 1000 રૂપિયાની લાંચની માંગણીની કલમ 7(a), 13(1)(a), 13(2) મુજબનો ગુનો લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, ભરૂચ ખાતે દાખલ કરવામાં આવેલ છે.

(4:07 PM IST)