<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ભાવનગર, સુરત, ભરુચ, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આજે બપોરે ૧ વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર:રાજકોટ, અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આજે બપોરે 1 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દક્ષિણ અને પૂર્વ-મધ્ય ભાગોમાં અત્યંત ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

 

હવામાન વિભાગની નાઉકાસ્ટ આગાહી અનુસાર ભાવનગર, સુરત, ભરુચ, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

 

છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. છોટા ઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી નદી-નાળાં છલકાયા છે, તો બીજી તરફ અમરેલી જિલ્લાના વિવિધ પંથકોમાં ધીમીધારે થી ધોધમાર વરસાદ વરસતાં મુરઝાતા પાકને નવજીવન મળ્યું છે.

 

નસવાડી તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે અશ્વિન નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતાં નસવાડી તાલુકા પર તોળાઈ રહેલું પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે. ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોના ઉભા પાકને મોટો ફાયદો થયો છે.

(11:48 AM IST)