તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
પાંચ વર્ષ પૂર્ણ થતાં જ લાંબા કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રીઓની યાદીમાં ભુપેન્દ્રભાઈનું સ્થાનઃ નરેન્દ્રભાઈ સૌથી આગળ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબી સફર કોની.....? : હિતેન્દ્રભાઈ દેસાઈનો લાંબો કાર્યકાળઃ માધવસિંહ સોલંકીનો પાંચ વર્ષ થી વધુનો કુલ કાર્યકાળઃ ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૩ સપ્ટેમ્બરે પાંચ વર્ષ પૂર્ણ કરશે

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે ૧૯૬૦ના રોજ થઈ ત્યાર થી અત્યાર સુધી અનેક નેતા ઓ એ મુખ્યમંત્રી તરીકે રાજ્ય નું નેતૃત્વ કર્યું છે, જોકે લાંબા સમય સુધી સતત અથવા કુલ મળીને મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા નેતાઓની સંખ્યા મર્યાદિત છે.
આ યાદીમાં નરેન્દ્રભાઈ મોદી સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે, તેમના પછી હિતેન્દ્ર ભાઈ દેસાઈ અને માધવસિંહ સોલંકી , વિજયભાઈ રૂપાણીનો લાંબો કાર્યકાળ આવે છે હવે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પાંચ વર્ષ પૂર્ણ કરી ને આ વિશિષ્ટ યાદી માં સ્થાન મેળવવા જઈ રહ્યા છે.
ગુજરાત ના મુખ્યમંત્રીઓના કાર્યકાળ ના ઉપલબ્ધ ઐતિહાસિક આંકડા મુજબ નરેન્દ્રભાઈ મોદી ૭ ઓક્ટોબર ૨૦૦૧ થી ૨૨ મે ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, જ્યારે હિતેન્દ્રભાઈ દેસાઈ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫થી ૧૨ મે ૧૯૭૧ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા , માધવસિંહ સોલંકીએ અલગ અલગ તબક્કામાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી,
નરેન્દ્ર મોદી સૌથી આગળ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ નરેન્દ્રભાઈ મોદીનો રહ્યો છે, તેમણે ૭ ઓક્ટોબર ૨૦૦૧થી ૨૨ મે ૨૦૧૪ સુધી, એટલે કે આશરે ૧૨ વર્ષ અને ૭ મહિના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી , આ સમયગાળા દરમિયાન તેમણે સતત ત્રણ વિધાનસભા ચૂંટણી બાદ સરકારનું નેતૃત્વ કર્યું. ઉપલબ્ધ ઐતિહાસિક આંકડા પ્રમાણે તેમનો મુખ્યમંત્રી તરીકે નો કુલ કાર્યકાળ આશરે ૪,૬૧૦ દિવસ રહ્યો હતો , આ રેકોર્ડ ગુજરાત ના કોઈપણ અન્ય મુખ્યમંત્રી એ હજુ સુધી પાર કર્યો નથી.
હિતેન્દ્રભાઈ દેસાઈનો લાંબો કાર્યકાળ
ગુજરાતના શરૂઆતના દાયકા માં હિતેન્દ્રભાઈ દેસાઈનો કાર્યકાળ પણ નોંધપાત્ર રહ્યો હતો , તેઓ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ થી ૧૨ મે ૧૯૭૧ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા , તેમનો કાર્યકાળ અંદાજે ૫ વર્ષ અને ૮ મહિના જેટલો રહ્યો હતો, આ રીતે તેઓ ગુજરાતના એવા મુખ્યમંત્રીઓમાં આવે છે જેમણે પાંચ વર્ષથી વધુ સમય સુધી સતત રાજ્યનું નેતૃત્વ કર્યું હતું.
માધવસિંહ સોલંકી નો પાંચ વર્ષ થી વધુનો કુલ કાર્યકાળ
માધવસિંહ સોલંકી ગુજરાતના રાજકારણના સૌથી મહત્વપૂર્ણ મુખ્યમંત્રીઓમાંના એક રહ્યા છે , તેઓ એક જ સતત કાર્યકાળમાં નહીં પરંતુ અલગ અલગ તબક્કામાં મુખ્યમંત્રી રહ્યા, તેમનો પ્રથમ કાર્યકાળ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬થી ૧૦ એપ્રિલ ૧૯૭૭ સુધી રહ્યો, ત્યાર બાદ તેઓ ૭ જૂન ૧૯૮૦ થી ૬ જુલાઈ ૧૯૮૫ સુધી મુખ્યમંત્રી રહ્યા, પછી ૧૦ ડિસેમ્બર ૧૯૮૯ થી માર્ચ ૧૯૯૦ દરમિયાન ફરી મુખ્યમંત્રી બન્યા, આ તમામ કાર્યકાળને એકત્રિત કરવામાં આવે તો માધવસિંહ સોલંકી નો કુલ મુખ્યમંત્રી તરીકે નો સમય પાંચ વર્ષથી વધુ થાય છે , તેમના ૧૯૮૦ થી ૧૯૮૫ ના કાર્ય કાળે જ પાંચ વર્ષથી વધુનો સમય આવરી લીધો હતો.
વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષ થી વધુ મુખ્યમંત્રી રહેલા મહત્વપૂર્ણ નેતા
વિજય રૂપાણી એ ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું , એટલે તેઓ આશરે ૫ વર્ષ ૧ મહિનો મુખ્યમંત્રી રહ્યા હતા , એટલે કે વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષ થી વધુ સમય મુખ્યમંત્રી રહેલા નેતાઓની યાદીમાં ચોક્કસપણે આવે છે, તેમનો કાર્યકાળ નરેન્દ્રભાઈ મોદી, હિતેન્દ્ર દેસાઈ અને માધવસિંહ સોલંકી કરતાં ઓછો હતો, પરંતુ પાંચ વર્ષનો મહત્વપૂર્ણ પડાવ તેમણે પાર કર્યો હતો.
હવે ભૂપેન્દ્રભાઈ પટેલનો નંબર
ભૂપેન્દ્રભાઈ પટેલે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા , ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી માં ભાજપે ૧૮૨ માંથી ૧૫૬ બેઠકો જીતી ને ઐતિહાસિક વિજય મેળવ્યો અને ભૂપેન્દ્રભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી બન્યા, ત્યાર થી તેમનો કાર્યકાળ સતત ચાલી રહ્યો છે , આથી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે સતત પાંચ વર્ષ પૂર્ણ કરશે,
આ સાથે તેઓ ગુજરાત ના ઇતિહાસ માં પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેલા ગણતરીના નેતા ઓ માં સત્તાવાર રીતે સામેલ થશે.
ભૂપેન્દ્રભાઈ પટેલ કયા રેકોર્ડ ક્યારે તોડી શકે......?
ભૂપેન્દ્રભાઈ પટેલ માટે હવે સૌથી રસપ્રદ પ્રશ્ન એ છે કે તેઓ ગુજરાત ના કયા પૂર્વ મુખ્યમંત્રી નો રેકોર્ડ ક્યારે પાર કરી શકે.....?
આપણે ગણતરી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ થી સતત મુખ્યમંત્રી તરીકે ના દિવસો આધારે કરીએ તો, વિજય રૂપાણી ૭ ઓગસ્ટ ૨૦૧૬ તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧, કુલ આશરે ૧,૮૬૧ દિવસ.
જો ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યકાળ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ થી સતત ગણવામાં આવે તો તેઓ ૧૮ ઑક્ટોબર ૨૦૨૬ આસપાસ વિજયભાઈ રૂપાણી ના કુલ કાર્યકાળ જેટલો સમય પૂર્ણ કરશે, એટલે કે ઑક્ટોબર ૨૦૨૬માં ભૂપેન્દ્રભાઈ પટેલ વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ ને પાછળ છોડશે.
માધવસિંહ સોલંકીના ત્રણ મુખ્ય કાર્યકાળને જોડીએ તો આશરે ૨,૦૪૬ દિવસ થાય છે,
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧થી આટલા દિવસો ગણતાં તારીખ આવે છે, ૨૧ એપ્રિલ ૨૦૨૭
એટલે જો ભૂપેન્દ્રભાઈ પટેલ સતત મુખ્યમંત્રી રહે તો ૨૧ એપ્રિલ ૨૦૨૭ આસપાસ તેઓ માધવસિંહ સોલંકીના કુલ મુખ્યમંત્રી કાર્યકાળને વટાવી શકે છે, આ ગણતરી માં માધવસિંહ સોલંકી ના અલગ-અલગ કાર્યકાળનો કુલ સમય લેવામાં આવ્યો છે, વિવિધ સત્તાવાર/ઐતિહાસિક યાદીઓમાં કેટલાક કાર્યકાળની અંતિમ તારીખમાં એક દિવસનો તફાવત હોવાથી આ તારીખને આશરે ૨૧ એપ્રિલ ૨૦૨૭ તરીકે જોવી યોગ્ય છે.
હિતેન્દ્રભાઈ દેસાઈનો કાર્યકાળ આશરે ૨,૦૬૧ દિવસ રહ્યો હતો , ભૂપેન્દ્ર પટેલે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧થી સતત આટલા દિવસો પૂર્ણ કર્યા પછી તારીખ આવશે , ૬મે ૨૦૨૭ એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ મે ૨૦૨૭ માં હિતેન્દ્ર દેસાઈ નો પાંચ વર્ષ થી વધુ નો ઐતિહાસિક કાર્યકાળ પણ વટાવી શકે છે , આ રીતે ૨૦૨૭માં ભૂપેન્દ્રભાઈ પટેલ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો એક મહત્વપૂર્ણ ઐતિહાસિક પડાવ આવી શકે છે.
પરંતુ સૌથી મોટો રેકોર્ડ નરેન્દ્ર મોદીનો
નરેન્દ્ર મોદી નો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કુલ સતત કાર્યકાળ ૪,૬૧૦ દિવસ , ૭ ઑક્ટોબર ૨૦૦૧થી ૨૨ મે ૨૦૧૪ જો ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧થી સતત મુખ્યમંત્રી રહે તો ૪,૬૧૦ દિવસનો આ સમયગાળો પૂર્ણ થવાની ગણતરી પ્રમાણે તારીખ આવે છે ૨૮ એપ્રિલ ૨૦૩૪ , એટલે હાલની ગણતરી પ્રમાણે, જો ભૂપેન્દ્ર પટેલ સતત પદ પર રહે તો એપ્રિલ ૨૦૩૪માં તેઓ નરેન્દ્ર મોદી નો ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ વટાવી શકે, અત્રે ઉલ્લેખનીય છે કે આ રાજકીય આગાહી નથી, પરંતુ હાલની તારીખો પર થી કરવા માં આવેલી સમયગાળા ની ગણતરી છે .
ભુપેન્દ્રભાઈ પટેલ માટે રાજકીય રીતે ૨૦૨૭ કેમ મહત્વનું....?
ભૂપેન્દ્રભાઈ પટેલ માટે ૨૦૨૭ નું વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે , કારણ કે સમયગાળાની ગણતરી પ્રમાણે આ વર્ષ દરમિયાન તેઓ વિજયભાઈ રૂપાણી, માધવસિંહ સોલંકી હિતેન્દ્ર દેસાઈ જેવા લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નેતાઓના કાર્યકાળને વટાવી શકે છે , સાથે જ ૨૦૨૭ માં ગુજરાત વિધાનસભા ની આગામી ચૂંટણી પણ યોજાવાની છે , તેથી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે મુખ્યમંત્રી તરીકેનો પાંચ વર્ષનો પડાવ માત્ર ઐતિહાસિક સમયગાળો નથી, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી ની રાજકીય કસોટી સાથે પણ જોડાયેલો છે. આ માટે ‘અકિલા' પરીવાર તરફથી આગોતરી શુભેચ્છા.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
