<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

સુરતમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય એકમો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જાહેર કરેલ સહાય પેકેજને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા

આ પુનઃવસન પેકેજ રાજ્ય સરકારની સંવેદનશીલ અને નિર્ણાયક કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ :રૂ. ૭૫૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીની રોકડ સહાય, પુનઃસ્થાપન માટેની લોનની સુવિધા તેમજ વ્યાજમાં રાહત અને સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક તથા વાણિજ્ય વિસ્તારો માટે એક વર્ષના વેરાની માફી જેવા નિર્ણયો વેપાર અને સ્થાનિક અર્થતંત્રને ગતિ આપશે:જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરત જિલ્લા અને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પુનઃસ્થાપિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પુનઃવસન સહાય પેકેજને આવકાર્યું છે.
 વિશ્વકર્માએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુરતના વેપારીઓ, નાના ધંધાર્થીઓ અને સેવાકીય એકમોની ચિંતા કરીને જાહેર કરેલું આ પુનઃવસન પેકેજ તેમની સંવેદનશીલ અને નિર્ણાયક કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લારી-રેકડી ધારકોથી લઈને કેબિનધારકો, નાના વેપારીઓ તેમજ GST રિટર્ન ભરતા દુકાનદારો સુધી દરેક વર્ગને આવરી લેતું આ પેકેજ રાજ્ય સરકારની સર્વસમાવેશક કામગીરીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. રૂ. ૭૫૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીની  રોકડ સહાય, પુનઃસ્થાપન માટેની લોનની સુવિધા તેમજ વ્યાજમાં રાહત અને સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક તથા વાણિજ્ય વિસ્તારો માટે એક વર્ષના વેરાની માફી જેવા નિર્ણયો વેપાર અને સ્થાનિક અર્થતંત્રને ઝડપથી ગતિ આપનારા સાબિત થશે.
 વિશ્વકર્માએ જણાવ્યું કે, આપત્તિની આ ઘડીમાં રાજ્ય સરકારે માત્ર તાત્કાલિક રાહત જ નહીં પરંતુ લાંબા ગાળાના પુનઃવસનને કેન્દ્રસ્થાને રાખીને નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 19256 પરિવારોને ઘરવખરી સહાય અને 39237 વ્યક્તિઓને કેશ ડોલ પેટે કુલ 13.15 કરોડ રૂપિયાની રોકડ સહાય ચૂકવાઈ છે, જે સરકારની ઝડપી અને અસરકારક કામગીરીનો પુરાવો છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન તેમજ વેપાર-ધંધા ઝડપથી પૂર્વવત કરવા સરકારની સતત સક્રિયતા, સંવેદનાસભર અને લોકહિતકારી કામગીરી માટે જગદીશભાઈ વિશ્વકર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા સમગ્ર રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે

(6:37 PM IST)