<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

સુરતમાં લાલગેટ પોલીસનો મોટી કાર્યવાહી: નાણાવટમાં દરોડો પાડી રૂ. ૫.૪૦ લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે એક શખ્સ ઝડપાયો!

યુવાધનને નશાના માર્ગે ધકેલતી સિન્ડિકેટ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક: રૂ. ૫.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત, મોહમંદ અલી બિલ્લીમોરાવાલાની ધરપકડ

સુરત : સુરત શહેરના નાણાવટ વિસ્તારમાં આવેલા અનુપમ ચેમ્બર્સમાં લાલગેટ પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર અને હાનિકારક પ્રતિબંધિત ઈ-સિગારેટના મોટો જથ્થાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી જ ગેરકાયદેસર રીતે ઈ-સિગારેટનું વેચાણ અને સંગ્રહ કરતા આરોપી મોહમંદ અલી બિલ્લીમોરાવાલાની ધરપકડ કરી લીધી છે.

પોલીસની આ સફળ કામગીરી દરમિયાન આરોપી પાસેથી રૂ. ૫.૪૦ લાખની કિંમત ધરાવતી કુલ ૧૧૦ નંગ પ્રતિબંધિત ઈ-સિગારેટ (E-Cigarette) અને એક મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસે કુલ રૂ. ૫.૬૫ લાખનો મુદ્દામાલ પોતાની અંકુશ હેઠળ લીધો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુરત શહેરના યુવાનોમાં આ હાનિકારક અને કાયદાકીય રીતે પ્રતિબંધિત ઈ-સિગારેટનું ચલણ વધી રહ્યું હતું, જેને ડામવા પોલીસે આ કડક પગલું ભર્યું છે.

લાલગેટ પોલીસે આરોપી વિરુદ્ધ ઈ-સિગારેટ પ્રતિબંધિત કાયદા ૨૦૧૯ (Prohibition of Electronic Cigarettes Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોટો ઈ-સિગારેટનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને શહેરમાં અન્ય કોને કોને સપ્લાય કરવાનો હતો. આ સિન્ડિકેટમાં સામેલ મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે, જેનાથી ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.

(11:04 PM IST)