News of Wednesday, 23rd September 2026
સુરતમાં કચ્છ કડવા પાટીદાર સમાજની કડોદરા સભામાં મોટી જાહેરાત:ત્રીજા કે તેથી વધુ સંતાનના જન્મે નવજાતના નામે 10 વર્ષ માટે ₹50,000 ની FD અપાશે
દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદ રાખ્યા વિના અપાતી આ સહાયથી એકલ સંતાનની માનસિકતા બદલવા અને લિંગ સંતુલન જાળવવાનો નવતર પ્રયાસ

સુરતના કડોદરા ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં કચ્છ કડવા પાટીદાર સમાજે ઘટતી વસ્તી અને બદલાતી સામાજિક માનસિકતા સામે ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ કલ્યાણકારી યોજના હેઠળ સમાજના કોઈપણ પરિવારમાં ત્રીજા સંતાનનો જન્મ થશે તો નવજાતના નામે ₹50,000 ની ફિક્સ ડિપોઝિટ (FD) મૂકવામાં આવશે. આ યોજનામાં દીકરા કે દીકરી વચ્ચે કોઈ ભેદ રાખ્યા વગર સમાન સહાય આપવાનું નક્કી કરાયું છે.
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને પરિવારજનોની એક વિશેષ સામાન્ય સભા મળી હતી. આ સભામાં વર્તમાન પેઢીમાં ઝડપથી ઘટી રહેલા જન્મદર, નાના પરિવારોનું વધતું ચલણ અને તેના કારણે ભવિષ્યમાં સર્જાનારી સામાજિક સમસ્યાઓ અંગે ગહન મંથન કરવામાં આવ્યું હતું.
આજના આધુનિક સમયમાં વધતા મોંઘવારીના ખર્ચને લીધે મોટાભાગના યુવા દંપતીઓ માત્ર એક જ બાળક રાખવાનું વલણ અપનાવી રહ્યા છે. સમાજના વડીલોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો આગામી દાયકાઓમાં સમાજની યુવા વસ્તીમાં મોટો ઘટાડો નોંધાશે. આ ચિંતાજનક ટ્રેન્ડને અટકાવવા માટે સમાજે પરિવારોને પ્રોત્સાહિત કરવાનો માર્ગ પસંદ કર્યો છે.
સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો કે સમાજના જે પરિવારો ત્રીજું સંતાન આવકારશે, તેમને સમાજ આર્થિક રીતે સહયોગ આપશે. માત્ર ત્રીજું જ નહીં, પરંતુ 3 થી વધુ સંતાન ધરાવતા પરિવારોને પણ દરેક વધારાના બાળકના જન્મે આ સહાય પ્રાપ્ત થશે.
સમાજમાં વર્ષોથી જોવા મળતી દીકરા-દીકરી વચ્ચેની અસમાનતા અને જાતિ અસંતુલનને દૂર કરવા આ પગલું અત્યંત પ્રગતિશીલ માનવામાં આવે છે. ઘણી વખત પરિવારો દીકરાની ઘેલછામાં દીકરીના જન્મને આવકારવામાં સંકોચ અનુભવતા હોય છે. કચ્છ કડવા પાટીદાર સમાજે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બંને સંતાનો ઈશ્વરનું વરદાન છે.
જો પરિવારમાં પહેલા 2 સંતાનો દીકરી હોય અને ત્રીજી પણ દીકરી જન્મે, તો પણ તેને ગૌરવભેર ₹50,000 ની એફડી આપવામાં આવશે. આ પગલાથી કન્યા ભ્રૂણહત્યા અને દીકરીઓ પ્રત્યેની સંકુચિત વિચારસરણી સામે જાગૃતિ આવશે.
હાલના શહેરી જીવનમાં 'હમ દો હમારે એક' નું ચલણ વધ્યું છે, જેના કારણે બાળકોનો એકલવાયો ઉછેર થઈ રહ્યો છે. સંયુક્ત કુટુંબની ભાવના નબળી પડી રહી છે ત્યારે 3 સંતાનો ધરાવતા પરિવારોને સમાજ આર્થિક ટેકો પૂરો પાડીને એક હકારાત્મક વાતાવરણ ઊભું કરવા માંગે છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
