તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ગુજરાત ભાજપમાં મોટા ફેરફારના એંધાણ: ૧૫ મે બાદ જાહેર થશે પંચાયત અને નગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ, કોને મળશે સત્તાનું સુકાન?
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય; ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મંથન પૂર્ણ, હવે ૧૨-૧૩ મેના રોજ સૌરાષ્ટ્ર-વડોદરાના નામો પર લાગશે અંતિમ મહોર

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ભાજપના સંગઠનમાં મોટા ફેરફારોની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. રાજ્યની નગરપાલિકાઓ, જિલ્લા-તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકાઓના નવા સુકાનીઓની નિમણૂકને લઈને ચાલી રહેલી લાંબી રાહ હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી મળતા સમાચાર મુજબ, આગામી ૧૫ મે બાદ નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ઝોન વાઈઝ મંથન અને સત્તાવાર જાહેરાત ગાંધીનગર સ્થિત 'કમલમ' ખાતે ૬ થી ૮ મે દરમિયાન પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ત્રણ દિવસીય બેઠકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય મહત્વના હોદ્દાઓ માટે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણ ઝોન માટે નામો નક્કી થઈ ગયા છે અને ૧૫ મે પછી તેમને જવાબદારી સોંપવામાં આવશે.
પીએમના પ્રવાસને કારણે સૌરાષ્ટ્ર-વડોદરાનું મંથન બાકી એક તરફ ત્રણ ઝોનનું કામ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને વડોદરા ઝોનના નામોની પસંદગી હજુ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને અન્ય વ્યસ્તતાઓને ધ્યાનમાં રાખીને આ બે ઝોનની ચર્ચા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી. વડાપ્રધાનના પ્રવાસ બાદ હવે સંગઠન ફરી સક્રિય થશે.
૧૨ અને ૧૩ મેના રોજ નિર્ણાયક બેઠક સૌરાષ્ટ્ર અને વડોદરાના બાકી રહેલા હોદ્દેદારોની પસંદગી માટે હવે આગામી ૧૨ અને ૧૩ મેના રોજ ફરી એકવાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં બાકી રહેલા નામો પર અંતિમ મહોર મારવામાં આવશે. આમ, મે મહિનાના મધ્ય સુધીમાં સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નવા સુકાનીઓ મળી જશે, જેના કારણે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
