તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
પરીક્ષા પહેલા જ પેપર લીક કરવાનું મોટું ષડયંત્ર:ટેલિગ્રામના માધ્યમથી NEETનું પેપર ઓનલાઈન વેચાણ : યુવરાજસિંહના દાવાથી ખળભળાટ
'રાઘવ સર' નામનો શખ્સ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું અને તે ટેલિગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને પેપરના બદલામાં મોટી રકમની માંગણી કરી રહ્યો હોવાના આક્ષેપો

દેશભરમાં ચર્ચિત NEET પરીક્ષા ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. આગામી 23 મેના રોજ લેવાનાર પુનઃ પરીક્ષા પહેલા જ પેપર લીક કરવાનું મોટું ષડયંત્ર અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે, ટેલિગ્રામના માધ્યમથી NEETનું પેપર ઓનલાઈન વેચાઈ રહ્યું છે.
NEET પુનઃ પરીક્ષા પહેલાં જ પરીક્ષાનું પેપર ઓનલાઇન વેચાઇ રહ્યું હોવાનો દાવો કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ટેલિગ્રામના માધ્યમથી NEETનું પેપર ઓનલાઈન વેચાઈ રહ્યું છે. 'રાઘવ સર' નામનો શખ્સ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું અને તે ટેલિગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને પેપરના બદલામાં મોટી રકમની માંગણી કરી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ટોળકી દ્વારા પેપર લીક કરવા માટે અત્યંત ચોક્કસ 'કોડવર્ડ'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં પેપરને 'મટીરીયલ' કે 'ગિફ્ટ', પૈસાને 'સ્પોર્ટ', 'ફ્યુઝલ' અને પેપર મેળવવાની પ્રક્રિયાને 'એન્ટ્રી' જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે. અમદાવાદના એક વિદ્યાર્થી પાસે આ ટોળકીએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી 60 હજાર રૂપિયા એડવાન્સ પેટે વસૂલી પણ લેવાયા હોવાનો ગંભીર આરોપ છે. યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. તેમના મતે, આ ટોળકી અત્યાર સુધીમાં આશરે 5 કરોડ 74 લાખ રૂપિયા ઉઘરાવી ચૂકી છે અને તેઓ 180 પ્રશ્નોમાંથી 170 પ્રશ્નોના જવાબો આપવાની ખાતરી આપી રહ્યા છે.
આ સમગ્ર મામલો અત્યંત ગંભીર છે કારણ કે 3 મેના રોજ થયેલા પેપર લીકને કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ હતી. હવે ફરીથી પરીક્ષા યોજાય તે પહેલાં આ પ્રકારના કૌભાંડની વિગતો બહાર આવતા 23 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભાવિ પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. આ ઘટના ખરેખર પેપર લીકનું ષડયંત્ર છે કે માત્ર કોઈ સાયબર ફ્રોડ, તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
