તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
વડોદરાના સાવલી બ્રિજના એપ્રોચ રોડ અને મુખ્ય રસ્તા પર મોટી તિરાડ :ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
આ નબળા બાંધકામ પાછળ કોન્ટ્રાક્ટર અને મંજૂરી આપનાર ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવતા તેમણે મુખ્યમંત્રી સમક્ષ કડક કાર્યવાહી કરવા માંગણી મૂકી

વડોદરા :પ્રજાની સુખાકારી માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સાવલી બ્રિજની સ્થિતિ અંગે ચોકાવનારી વિગતો સામે આવી છે. વડોદરાના સાવલીમાં કરડ અને મેસરી નદી પર અંદાજે રૂપિયા 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજની કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવા અંગે ખુદ શાસક પક્ષ ભાજપના જ ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે.
મળતી માહિતી અનુસાર, કરડ અને મેસરી નદી પર બનેલો આ આધુનિક બ્રિજ થોડા સમય પહેલા જ પ્રજાની સુવિધા અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ, લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ આ કરોડોના પ્રોજેક્ટનું કામ કેટલું નબળું છે તે દેખાઈ આવ્યું છે. આ અંગે ધારાસભ્ય કેતન ઈમાનદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, નવીન બ્રિજ પરના એપ્રોચ રોડ અને મુખ્ય રસ્તા પર મોટી-મોટી તિરાડો પડી ગઈ છે અને રસ્તાનું RCC પણ ઠેર-ઠેરથી ઉખડી ગયું છે. આ કામગીરી અત્યંત હલકી કક્ષાની અને લોટ-પાણી ને લાકડા જેવી થઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ સ્પષ્ટ થાય છે.
આ સમગ્ર મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ બિલકુલ ચલાવી લેવાય નહીં. આ નબળા બાંધકામ પાછળ કોન્ટ્રાક્ટર અને મંજૂરી આપનાર ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવતા તેમણે મુખ્યમંત્રી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી છે
ભાજપના જ ધારાસભ્ય દ્વારા લખાયેલા આ પત્ર બાદ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે સૌની નજર એ વાત પર છે કે મુખ્યમંત્રી આ મામલે કેવા એક્શન લે છે અને ભ્રષ્ટાચારીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી થાય છે કે કેમ.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
