News of Sunday, 11th October 2026
ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે મોટો નિર્ણય: શારીરિક કસોટી બાદ હવે લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ
ગૃહ વિભાગ દ્વારા સુધારા વિધેયક જાહેર કરી સીધી ભરતીમાં મોટી રાહત આપવાનો મહત્વપૂર્ણ આદેશ, વયમર્યાદામાં પણ છૂટછાટ યથાવત

ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહ વિભાગ દ્વારા ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલા સુધારા મુજબ, હવે ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતી દરમિયાન લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. અગાઉ રાજ્ય સરકારે તેઓને શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)માંથી મુક્તિ આપી હતી, ત્યારે હવે લેખિત પરીક્ષામાંથી પણ સંપૂર્ણ મુક્તિ મળતાં જવાનો માટે ગુજરાત પોલીસ વિભાગમાં જોડાવાની પ્રક્રિયા વધુ સરળ બની ગઈ છે.
રાજ્ય સરકારે ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરેલા મૂળ નિયમો હેઠળ ગુજરાતના વતની અથવા મૂળ નિવાસી હોય તેવા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે પોલીસ ભરતીમાં ૨૦ ટકા અનામતની જોગવાઈ કરી હતી. ગૃહ વિભાગે આ નિયમોમાં સુધારો કરીને નવો નિયમ ૫A ઉમેર્યો છે, જે હેઠળ આર્મી, નેવી કે એરફોર્સમાં સેવા આપી ચૂકેલા અગ્નિવીરોને સશસ્ત્ર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, SRPF પ્લાટૂન કમાન્ડર, SRPF કોન્સ્ટેબલ તેમજ જેલ વિભાગની જગ્યાઓ પર લેખિત પરીક્ષા વિના સીધી ભરતીનો લાભ મળશે. આ ઉપરાંત સામાન્ય ઉમેદવારો માટે વયમર્યાદામાં ૩ વર્ષ અને પ્રથમ બેચના અગ્નિવીરો માટે પ વર્ષની છૂટછાટ પણ યથાવત રાખવામાં આવી છે.
સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે નાની વયે સરહદો પર કઠિન પરિસ્થિતિઓમાં રાત-દિવસ ફરજ બજાવી ચૂકેલા અગ્નિવીરો ગુજરાત પોલીસ વિભાગને વધુ સક્ષમ અને મજબૂત બનાવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સશસ્ત્ર દળોમાં કઠોર તાલીમ અને શિસ્તનો અનુભવ મેળવનારા આ યુવાનો ગુજરાત પોલીસ સાથે ખભેખભો મિલાવીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આગામી દિવસોમાં ભૂતપૂર્વ અગ્નિવીરોની પાત્રતા, ભરતીની શરતો અને દસ્તાવેજ ચકાસણી સંબંધિત વિગતો માટે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર સરકારી ઠરાવ (GR) અને પ્રેસનોટ મારફતે વધુ સ્પષ્ટતા કરવામાં આવશે. અગાઉ અનામત અને શારીરિક કસોટીમાંથી આપેલી મુક્તિની કડીરૂપે જ લેવાયેલા આ નવા નિર્ણયથી રાજ્યના હજારો ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ દળમાં જોડાઈને પુનઃ દેશ અને રાજ્યની સેવા કરવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થશે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
