<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સરકારી જમીન ફાળવણી માટે જિલ્લા કલેક્ટર અને ડીડીઓની સત્તામર્યાદામાં મોટો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહિવટી પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા કલેક્ટરોની નાણાંકીય સત્તા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૧ કરોડ સુધી કરી : હવે અરજદારો અને સંસ્થાઓને ગાંધીનગર સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટી સરળીકરણ તરફ એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક પગલું ભર્યું છે. રાજ્ય સરકાર દ્વારા ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ ને પ્રોત્સાહન આપવા માટે સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) ની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

 

 જિલ્લા કલેક્ટરશ્રીઓની નવી નાણાંકીય સત્તામર્યાદા:

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટરોની જમીન ફાળવણી અંગેની સત્તાઓમાં નીચે મુજબનો વધારો કરવામાં આવ્યો છે:

 રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન: ૨ હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની નાણાંકીય સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૧ કરોડ કરવામાં આવી છે.

 કેન્દ્ર સરકારના વિભાગો (જાહેર હેતુ): ૧ હેક્ટર સુધીની જમીન માટે સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરાઈ છે.

 રહેણાંક હેતુ (સરકારી કર્મચારી/વ્યક્તિગત): રહેણાંક હેતુ માટેની જમીન ફાળવણીની સત્તા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૨૦ લાખ કરવામાં આવી છે.

 સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: સત્તામર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ સુધી લંબાવવામાં આવી છે.

 વ્યાપારિક હેતુ (હરાજીથી): જમીન ફાળવણી માટે કલેક્ટરની સત્તા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૫ લાખ કરવામાં આવી છે.

 સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ: જમીન ફાળવણીની નાણાંકીય સત્તા રૂ. ૩ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ કરવામાં આવી છે.

 

 જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ) ની સત્તામાં વધારો:

ગામતળના પ્લોટ ફાળવણી માટે જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તાઓમાં પણ નોંધપાત્ર સુધારો કરાયો છે:

 વ્યક્તિગત રહેઠાણ: ગામતળ પ્લોટ માટે સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી છે.

 સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: સત્તામર્યાદા રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૭.૫ લાખ કરાઈ છે.

 દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડ: પ્લોટ ફાળવણીની સત્તા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ છે.

 

 નિર્ણયથી થનારા મુખ્ય ફાયદા અને વહીવટી સરળતા:

સ્થાનિક કક્ષાએ જ કલેક્ટર અને ડીડીઓ પાસે નિર્ણય લેવાની આટલી વ્યાપક સત્તાઓ આવવાથી સ્થાનિક સ્તરે જ જમીન રેકોર્ડ અને સ્થળ સ્થિતિ ઉપલબ્ધ હોવાને લીધે વહીવટી પ્રક્રિયા અત્યંત ટૂંકી બનશે. અરજદારો, વિભાગો અને સંસ્થાઓને ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે અને જિલ્લા કક્ષાએથી જ ઝડપી ફોલો-અપ મળી રહેશે.

 

આ નિર્ણયના પરિણામે સરકારી પ્રોજેક્ટ્સ તેમજ ઔદ્યોગિક અને સામાજિક પ્રકલ્પો માટે જમીન ફાળવણી ઝડપી બનતાં રાજ્યમાં વિકાસ કાર્યો અને રોજગારીને નવો વેગ મળશે. સાથે જ, જમીનની કબજાકિંમત કે પ્રીમિયમની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે. વધુમાં, રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન તેમજ ભારત સરકારના ખાતાઓને જમીન ફાળવણીમાં કલેક્ટરે ઈન્ટિમેશન જનરેટ કર્યા પછી જો ૯૦ દિવસમાં રકમ ભરપાઈ ન થાય, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારો આપવાની સત્તા કલેક્ટરને મળતાં પુનરાવર્તિત વહીવટી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.

(9:58 AM IST)