<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ગુજરાત સચિવાલયમાં વહીવટી પ્રક્રિયાને વેગ આપવા રાજ્‍ય સરકારનો મોટો નિર્ણય : સેક્‍શન ઓફિસરના ૨૮ નવા પદોને મંજૂરી અપાઈ

મંજૂર પદોની સંખ્‍યા ૬૦૬થી વધારીને ૬૩૪ કરાઇ : મુખ્‍યમંત્રી કાર્યાલય સહિત ૨૬ વિભાગો અને ૧૯ કચેરીઓને વધારાનું કાર્યબળ મળતાં ફાઈલોના નિકાલની ગતિ ઝડપી બનશે

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર :  રાજ્‍ય સરકારની વહીવટી કામગીરીને વધુ સુવ્‍યવસ્‍થિત, ઝડપી અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્‍ય સાથે ગુજરાત સરકારે સચિવાલય સંવર્ગમાં સેક્‍શન ઓફિસર (વર્ગ-૨)ના પદોની સંખ્‍યામાં વધારો કરવાનો એક અત્‍યંત મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્‍ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ અનુસાર, સચિવાલયમાં સેક્‍શન ઓફિસરના અત્‍યાર સુધીના મંજૂર પદોની સંખ્‍યા ૬૦૬ હતી, જેને વધારીને હવે ૬૩૪ કરવામાં આવી છે. સરકારના આ કદમથી સરકારી કચેરીઓમાં વર્ષોથી પડતર રહેતી ફાઈલોના નિકાલની ગતિમાં નોંધપાત્ર વધારો થશે, નીતિગત નિર્ણયોનું અમલીકરણ સમયબદ્ધ બનશે અને સામાન્‍ય નાગરિકોના સરકારી કામો ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે. મુખ્‍યમંત્રી કાર્યાલય અને વિવિધ મહત્‍વની સંસ્‍થાઓને મળશે વધારાનું સંખ્‍યાબળ : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણય અન્‍વયે નવી કૅડર રચના તૈયાર કરવામાં આવી છે, જેના ભાગરૂપે મુખ્‍યમંત્રી કાર્યાલય (સીએમઓ) સહિત રાજ્‍યના ૨૬ સરકારી વિભાગો અને ૧૯ ઉચ્‍ચ કચેરીઓને વધારાનું વહીવટી કાર્યબળ પ્રાપ્ત થશે. આ નવીન જોગવાઈઓ હેઠળ મુખ્‍યમંત્રી કાર્યાલય, ગુજરાત તકેદારી પંચ (વિજિલન્‍સ કમિશન) તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  (GSSSB) સહિતની કેટલીક અતિ મહત્‍વની કચેરીઓ માટે હંગામી પદો ઊભા કરવામાં આવ્‍યા છે અને સાથે જ ડેપ્‍યુટેશન રિઝર્વની પણ ખાસ વ્‍યવસ્‍થા સુનિヘતિ કરવામાં આવી છે.

કૅડર સ્‍ટ્રેન્‍થની સર્વગ્રાહી સમીક્ષા બાદ લેવાયો સમયસરનો નિર્ણય : છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્‍ય સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અને વહીવટી જવાબદારીઓ વધવાને કારણે સરકારી ફાઈલોના ભારણમાં મોટો વધારો નોંધાયો હતો. આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને લાંબા સમયથી કૅડર સ્‍ટ્રેન્‍થની તબક્કાવાર સમીક્ષા કરવામાં આવી રહી હતી. આ આખરી સમીક્ષા અહેવાલના આધારે જ પદોની સંખ્‍યા વધારવાનો નિર્ણય લેવાયો છે, જેથી ભવિષ્‍યમાં જુદા જુદા સરકારી વિભાગો વચ્‍ચેની આંતરિક નિર્ણય પ્રક્રિયા વધુ સુગમ, ત્‍વરિત અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરી શકાય.

ચાલુ વર્ષે ૮૬ નાયબ સેક્‍શન અધિકારીઓને અપાઈ છે સેક્‍શન ઓફિસર તરીકે બઢતી : અત્રે નોંધનીય છે કે રાજ્‍ય સરકાર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જ સચિવાલય સંવર્ગના ૮૬ નાયબ સેક્‍શન અધિકારીઓ (ડીવાયએસઓ - વર્ગ-૩)ને વિભાગીય બઢતી (પ્રમોશન) આપીને સેક્‍શન ઓફિસર (વર્ગ-૨) તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. આ નવી બઢતીઓ અને સરકારે મંજૂર કરેલા ૨૮ નવા પદોના સંયુક્‍ત પરિણામે સચિવાલય સ્‍તરે સક્ષમ અધિકારીઓની ઉપલબ્‍ધતામાં મોટો વધારો થશે. રાજ્‍યમાં ઝડપથી ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ્‍સ, નવી જનકલ્‍યાણની યોજનાઓ અને વિભાગીય કામગીરીના સતત વિસ્‍તરી રહેલા વ્‍યાપ વચ્‍ચે લેવાયેલો આ પ્રશંસનીય નિર્ણય ગુજરાતના વહીવટી તંત્રના માળખાને વધુ મજબૂત અને પ્રજાભિમુખ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. 

(2:31 PM IST)