News of Saturday, 21st November 2026
મહીસાગરમાં નોકરીના બહાને મોટી છેતરપિંડી : 112 અને 181માં નોકરી અપાવવાના નામે 58 યુવક-યુવતીઓ પાસેથી 11 લાખથી વધુ પડાવ્યા
સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર, બેરોજગાર યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવી આરોપીએ આચરી ઠગાઈ

મહીસાગર તા.૨૧ : મહીસાગર જિલ્લામાં નોકરી વાંચ્છુ યુવાનો સાથે છેતરપિંડીનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લામાં સરકારી હેલ્પલાઇન 112 અને 181 માં નોકરી અપાવવાના બહાને 58 જેટલા બેરોજગાર યુવક-યુવતીઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સંતરામપુર પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપી મહીપાલસિંહ વિજયસિંહ જાદવે બેરોજગાર યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે 112 અને 181 હેલ્પલાઇન સેવામાં નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. સરકારી નોકરી મળી જશે તેવી આશાએ અનેક યુવક-યુવતીઓએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આરોપીએ એક પછી એક ઉમેદવારો પાસેથી નાણાં ઉઘરાવવાનું શરૂ કર્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ કુલ 58 ઉમેદવારો પાસેથી કુલ 11 લાખ 20 હજાર 650 રૂપિયા ઉઘરાવી લીધા હતા. લાંબા સમય સુધી નોકરી પણ ન મળી અને રૂપિયા પણ પરત ન મળતા ભોગ બનનારાઓને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આખરે ભોગ બનનાર હિતેશ બારીયાએ હિંમત કરીને સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ અન્ય કેટલા યુવક-યુવતીઓ સાથે આ રીતે છેતરપિંડી કરી છે, નાણાં ક્યાં વાપર્યા છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટના નોકરી વાંચ્છુકો માટે લાલબત્તી સમાન કિસ્સો બની ગઈ છે. સરકારી નોકરી અપાવવાના બહાને કોઈ વ્યક્તિ પૈસા માંગે તો તેની લાલચમાં ન આવવું અને સત્તાવાર ભરતી પ્રક્રિયા દ્વારા જ અરજી કરવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી રહી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
