<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

શિક્ષકોની હાજરીના મોટા ખેલનો પર્દાફાશ : સુરતમાં શિક્ષણ સમિતિની 58 શાળાઓના 558 શિક્ષકોને કારણદર્શક નોટિસ

ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રની તપાસમાં શિક્ષકોની ઓનલાઈન હાજરી અનિયમિત જણાઈ:અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ કહ્યું-શિક્ષકોના ઘરે બેઠા સહી કરવાના ખેલના ખુલાસા બાદ દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે

ગુજરાતના શૈક્ષણિક નકશા પર સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરથી મળેલા અહેવાલ મુજબ, વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓનલાઈન મોનિટરિંગમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 58 શાળાઓના 558 શિક્ષકોની હાજરીમાં ગંભીર અનિયમિતતા અને ગેરહાજરી ઝડપાતા તમામ સામે કારણદર્શક નોટિસની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શિક્ષકોની સમયપાલન પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ગાંધીનગર ખાતે અત્યાધુનિક વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે આ કેન્દ્ર દ્વારા સમગ્ર રાજ્યની સરકારી શાળાઓની ઓનલાઈન હાજરીનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે આ ડિજિટલ ટ્રેકિંગ દરમિયાન સુરતની શાળાઓનો એક મોટો લોચો સિસ્ટમમાં પકડાયો હતો.

ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટા એનાલિસિસમાં જાણવા મળ્યું કે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી 58 જેટલી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો નિયમિત રીતે ઓનલાઈન પોર્ટલ પર હાજર દેખાતા નથી આ બાબત ધ્યાને આવતા જ ગાંધીનગરથી સુરત તંત્રને તાત્કાલિક કડક તપાસ કરવા અને જવાબદાર શિક્ષકો સામે વહીવટી પગલાં ભરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

ગાંધીનગરથી મળેલી કડક ચેતવણી અને ડેટા લિસ્ટના આધારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તુરંત જ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારની શૈક્ષણિક બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે યાદીમાં સામેલ તમામ 558 શિક્ષકોને પર્સનલ કારણદર્શક નોટિસ  પાઠવી દેવામાં આવી છે.

શિક્ષણ સમિતિના આદેશ અનુસાર, નોટિસ મેળવનાર તમામ શિક્ષકોએ કાં તો રૂબરૂ આવીને અથવા લેખિત સ્વરૂપમાં પોતાની અનિયમિતતા અંગે યોગ્ય સ્પષ્ટતા અને સંતોષકારક ખુલાસો સબમિટ કરવો પડશે વહીવટી તંત્ર આ તમામ ખુલાસાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે અને ત્યારબાદ જ દોષિતો સામે ખાતાકીય તપાસ અને આગળની કડક કાનૂની કાર્યવાહીની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

બીજી તરફ, આટલી મોટી સંખ્યામાં નોટિસ મળતા જ સુરતના સરકારી શૈક્ષણિક આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક પૂછપરછ અને અનધિકૃત બચાવમાં કેટલાક શિક્ષક સંગઠનો અને શિક્ષકોએ એવા બહાના આગળ ધર્યા છે કે ઓનલાઈન એપ્લિકેશનમાં સર્વર ડાઉન હોવાને કારણે અથવા ટેકનિકલ ખામીને લીધે તેમની હાજરી ઓનલાઈન રજીસ્ટર થઈ શકી નથી. જો કે, વહીવટી તંત્ર આ વાતોને સંપૂર્ણ સાચી માનવા તૈયાર નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવો શંકાસ્પદ ખેલ સામે આવી રહ્યો છે કે કેટલાક શિક્ષકો શાળાએ આવ્યા વિના જ ઓનલાઈન લોગિન આઈડીનો દુરુપયોગ કરીને અથવા લોકેશન સ્પૂફિંગ દ્વારા ઘરે બેઠા જ ડિજિટલ સહી કરીને હાજરી પૂરતા હતા. નવાઈની વાત એ છે કે તંત્ર દ્વારા તમામ શિક્ષકોને ઓનલાઈન હાજરીની સિસ્ટમ સમજવા અને તેને નિયમિત કરવા માટે આખો એક મહિનાનો લાંબો સમય આપવામાં આવ્યો હતો, છતાં પણ આટલી મોટી સંખ્યામાં ગેરહાજરી અને અનિયમિતતા ચાલુ રહી હતી.

શિક્ષકોની આ પ્રકારની બેદરકારી સીધી રીતે સરકારી શાળાઓમાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. આ કેસ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ ડિજિટલ એટેન્ડન્સ મોનિટરિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટું ઉદાહરણ પૂરું પાડશે.

(10:04 PM IST)