<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

કોંગ્રેસના રકાસ પાછળ પક્ષના જ 'મોટા માથાઓ' ની મનમાની જવાબદાર: પેરાશૂટ ઉમેદવારો પણ નડ્યા

ટિકિટ વહેંચણીથી લઈ મેન્ડેટ પહોંચાડવા સુધીની ગોબાચારીએ કાર્યકરોનું મનોબળ તોડી નાખ્યું:નારાજગી દૂર કરવાના ડેમેજ કંટ્રોલમાં પણ બેદરકારી: મેન્ડેટની ગરબડને લીધે બિનહરીફ બેઠકો વધી

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી કોંગ્રેસનો રકાસ થયો છે આ હારના મૂળમાં પ્રદેશ નેતાગીરીની અણઆવડત અને આયોજનનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. પ્રદેશ નેતાગીરી જનતાને રિઝવવામાં ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે, જેના કારણે પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હારનું સૌથી મોટું કારણ ટિકિટોની વહેંચણી માનવામાં આવે છે. મોટા નેતાઓએ પોતાની મનમાની ચલાવીને જીતી શકે તેવા લોકપ્રિય ઉમેદવારોને બદલે 'પેરાશૂટ' ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ટિકિટ વહેંચણી બાદ સર્જાયેલી નારાજગી દૂર કરવામાં પણ નેતાગીરીએ કોઈ રસ દાખવ્યો નહોતો. ડેમેજ કંટ્રોલ કરવાની બેદરકારીને કારણે પક્ષની અંદરનો જૂથવાદ રસ્તા પર આવી ગયો હતો, છતાં નેતાઓએ તેને શાંત કરવાના કોઈ પ્રયાસો કર્યા નહીં.

બીજી તરફ, સ્ટાર પ્રચારકો પ્રચારના મેદાનમાં ક્યાંય દેખાયા નહોતા. પ્રદેશના મોટા ગજાના નેતાઓ માત્ર પોતાના ગઢ બચાવવામાં મશગૂલ રહ્યા અને પોતાના વિસ્તારની બહાર નીકળી જનતા સુધી પહોંચવાની તસ્દી સુદ્ધાં ન લીધી. મેન્ડેટ પહોંચાડવામાં થયેલી ગરબડને કારણે ઘણી બેઠકો બિનહરીફ જાહેર થઈ, જે કોંગ્રેસ માટે શરમજનક સ્થિતિ હતી. જમીન પર કામ કરવાને બદલે પક્ષ માત્ર સોશિયલ મીડિયા ના ભરોસે રહ્યો. વાસ્તવિકતાથી દૂર રહીને ડિજિટલ પ્લેટફોર્મ પરના આક્રોશને જ જનસમર્થન માની લેવાની ભૂલ કોંગ્રેસને ભારે પડી છે.

(10:43 PM IST)