<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ગુજરાત પોલીસમાં માજી અગ્નિવીરો માટે મોટા સમાચાર : ભરતી નિયમોમાં કરાયા મહત્ત્વના સુધારા

પોલીસ વિભાગની સીધી ભરતીમાં માજી અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી સંપૂર્ણ અને શારીરિક ક્ષમતા કસોટી માંથી પણ મુક્તિ : ૨૦% આડા (સમાંતર) અવકાશ અનામત અને વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે

ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના યુવાનો અને સૈન્યમાંથી નિવૃત્ત થતા જવાનોના હિતમાં એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, ગુજરાત પોલીસ વિભાગના નીચલા સેટઅપની સીધી ભરતીમાં યુનિફોર્મ ધરાવતી જગ્યાઓ માટે માજી અગ્નિવીરો (Ex-Agniveers) બાબતે ખાસ જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે.

ગૃહ વિભાગના નીતિગત નિર્ણય મુજબ, ગુજરાતના મૂળ/કાયમી નિવાસી હોય અને ભારતીય સશસ્ત્ર દળો (લશ્કર, નૌકાદળ અને વાયુદળ)માંથી અગ્નિવીર તરીકે નિવૃત્ત થયા હોય તેવા માજી અગ્નિવીરોને પોલીસ વિભાગની સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એસઆરપીએફ (SRPF) કોન્સ્ટેબલ, પ્લટૂન કમાન્ડર, જેલ સિપાઈ અને જેલર ગ્રૂપ-૨ જેવી યુનિફોર્મવાળી જગ્યાઓ પર ૨૦ ટકા આડી (સમાંતર) અનામત (Horizontal Reservation) નો લાભ આપવામાં આવશે.

આ વિશેષ ભરતી નિયમો અંતર્ગત માજી અગ્નિવીરોને શારીરિક ક્ષમતા કસોટી (PET)માંથી પણ મુક્તિ આપવામાં આવી છે. સાથે જ, સંબંધિત ભરતી નિયમોમાં દર્શાવેલી ઉપલી વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે પ્રથમ બેચના અગ્નિવીરો માટે આ વયમર્યાદામાં પાંચ વર્ષ સુધીની વિશેષ છૂટછાટ રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લશ્કરમાં દેશસેવા આપી ચૂકેલા યુવાનોને પોલીસદળમાં જોડાઈને પુનઃ સેવા આપવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે.

(12:34 PM IST)