<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

દિવાળીના પર્વ પર અમદાવાદવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે રાહતના મોટા સમાચાર: અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 'ડૉક્ટર ઓન કોલ' સેવા શરૂ, હવે માત્ર એક ફોન કૉલ પર ઉપલબ્ધ થશે તબીબી સારવાર

તહેવારોની રજાઓમાં ક્લિનિક્સ બંધ રહેતા દર્દીઓને હાલાકીમાંથી બચાવવા માટે ૭ થી ૧૩ નવેમ્બર સુધી ખાસ સામાજિક પહેલ, વિના મૂલ્યે પ્રાથમિક માર્ગદર્શન અને કટોકટીમાં નિષ્ણાત તબીબોનો અપાશે સહયોગ

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમિયાન જ્યારે સામાન્ય રીતે તમામ ડૉક્ટરો અને ક્લિનિક્સ રજા પર હોય છે અને લોકોને અચાનક સ્વાસ્થ્ય બગડતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને લોકઉપયોગી 'ડૉક્ટર ઓન કોલ' સામાજિક સેવા પહેલની જાહેરાત કરવામાં આવી છે.

આ વિશેષ વ્યવસ્થા અંતર્ગત તા. ૭ નવેમ્બરથી તા. ૧૩ નવેમ્બર ૨૦૨૬ સુધી અમદાવાદ શહેરના નાગરિકો માટે તબીબી સેવાઓ ૨૪ કલાક સુલભ રહેશે, જેથી તહેવારોની રજાઓમાં જ્યારે નિયમિત હોસ્પિટલો કે ક્લિનિક્સ બંધ કે મર્યાદિત સમય માટે ખુલ્લા હોય ત્યારે પણ નાગરિકોને વિના મૂલ્યે ઉત્તમ સ્વાસ્થ્ય માર્ગદર્શન મળી રહે.

સેવાની વિગતો આપતા સંચાલકોએ જણાવ્યું હતું કે આ પહેલ હેઠળ નિયુક્ત કરાયેલા પ્રાથમિક કોઓર્ડિનેટર્સ શહેરીજનોના ફોન કોલ્સ સ્વીકારીને તેમને ત્વરિત તબીબી સલાહ અને પાયાનું માર્ગદર્શન પૂરું પાડશે, તેમજ જો કોઈ દર્દીને કટોકટીની સ્થિતિમાં કે વધુ સારવાર માટે કોઈ નિષ્ણાત તબીબની જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક યોગ્ય ડૉક્ટર સાથે સંપર્ક કરાવીને સચોટ સહાય પૂરી પાડવામાં આવશે.

તહેવારોના આનંદ અને ઉલ્લાસ વચ્ચે શહેરના કોઈ પણ નાગરિકને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ પડે તો સારવારના અભાવે અટકવું ન પડે તે હેતુસર શરૂ કરવામાં આવેલી આ માનવતાવાદી સેવા બદલ અમદાવાદના નાગરિકો અને વ્યાપક વર્ગ દ્વારા મેડિકલ એસોસિએશનના આ અભિગમને સ્ગત્ય અને બિરદાવવામાં આવી રહ્યો છે.

(6:19 PM IST)