તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 4th November 2026
ગુજરાત યુનિવર્સિટીની ૧૪૦ જેટલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા સામે મોટો પ્રશ્નાર્થ : લગભગ અડધી જગ્યાઓની ભરતી રદ થવાની શક્યતા
છઠ્ઠા પગારપંચની મંજૂરીવાળી જગ્યાઓ સાતમા પગારપંચ હેઠળ જાહેર કરાતાં શિક્ષણ વિભાગનો વાંધો : પરીક્ષાઓ આપી ચૂકેલા હજારો ઉમેદવારોમાં ચિંતા

અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સામે ગંભીર સંકટ ઊભું થયું છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે પગારધોરણ અને મંજૂરીની વિસંગતતાઓને કારણે કેટલીક જગ્યાઓની ભરતી રદ કરવા સૂચના આપતાં લગભગ અડધી જગ્યાઓની ભરતી અટકી પડે તેવી શક્યતા છે.
ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વહીવટી અને બિનશૈક્ષણિક જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે. ગત ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યુનિવર્સિટીએ ૩૬ કેટેગરીમાં આશરે ૧૨૯ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી હતી. દિવ્યાંગો માટેની વધારાની જગ્યાઓ સહિત અગાઉ કુલ સંખ્યા ૧૪૦થી વધુ દર્શાવાઈ હતી.
ભરતીમાં ૮૪ જુનિયર ક્લાર્ક, ૭ સિનિયર ક્લાર્ક ઉપરાંત લાઇબ્રેરિયન, ઇજનેર, હિસાબી અધિકારી અને અન્ય ઉચ્ચ હોદ્દાઓનો સમાવેશ થતો હતો.
રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે કે છઠ્ઠા પગારપંચ હેઠળ મંજૂર જગ્યાઓ સાતમા પગારપંચના ધોરણે જાહેરાતમાં સમાવાઈ હોય તો સંબંધિત ભરતી રદ કરવી પડશે.
અન્ય જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અને પગારધોરણની સરકારી મંજૂરી સાથે સરખામણી કરવાની સૂચના આપવામાં આવી છે.
કેટલીક જગ્યાઓની લેખિત પરીક્ષાઓ અને પસંદગીના તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે યુનિવર્સિટીએ સમગ્ર બાબતની ચકાસણી માટે સમિતિ રચી છે. અંતિમ નિર્ણય પહેલાં શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવશે. આ પરિસ્થિતિથી ઉમેદવારોમાં ચિંતા ફેલાઈ છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
