News of Wednesday, 1st July 2026
દક્ષિણ ભારત જનારા મુસાફરોને મોટી રાહત :વલસાડથી તમિલનાડુના પ્રખ્યાત તીર્થધામ વેલાંકન્ની વચ્ચે એક નવી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે : જુઓ સમયપત્રક
ટ્રેનથી ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરોને દક્ષિણ ભારતની સીધી મુસાફરી કરવામાં મોટી સરળતા રહેશે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના વલસાડથી તમિલનાડુના પ્રખ્યાત તીર્થધામ વેલાંકન્ની વચ્ચે એક નવી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સ્પેશિયલ ભાડા સાથે દોડનારી આ ટ્રેનથી ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરોને દક્ષિણ ભારતની સીધી મુસાફરી કરવામાં મોટી સરળતા રહેશે.
વલસાડથી શરૂ થઈને વેલાંકન્ની જતા મુસાફરો માટે ટ્રેન નંબર 09030 આગામી 3 જુલાઈ (શુક્રવાર) ના રોજ સાંજે 6:25 વાગ્યે વલસાડથી રવાના થશે અને 5 જુલાઈ (રવિવાર) ના રોજ સવારે 10:00 વાગ્યે વેલાંકન્ની પહોંચશે.
વેલાંકન્નીથી પરત ફરતા મુસાફરો માટે આ ટ્રેન વલસાડ સુધી જવાના બદલે મહારાષ્ટ્રના દહાણુ રોડ સુધી જ દોડશે. ટ્રેન નંબર 09029 વેલાંકન્ની–દહાણુ રોડ સ્પેશિયલ 6 જુલાઈ (સોમવાર)ના રોજ રાત્રે 12:30 વાગ્યે વેલાંકન્નીથી ઉપડશે અને 7 જુલાઈ (મંગળવાર) ના રોજ સવારે 10:30 વાગ્યે દહાણુ રોડ પહોંચશે.
આ સ્પેશિયલ ટ્રેન વલસાડથી તમિલનાડુના વેલાંકન્ની સુધીની 1765 કિલોમીટરની 3 દિવસની લાંબી યાત્રા ખેડશે. આ રૂટ પર ટ્રેનને મુસાફરોની સુવિધા માટે કુલ 35 સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં દહાણુ રોડ, પાલઘર, વસઈ રોડ, પનવેલ, લોનાવલા, પુણે, દૌંડ, સોલાપુર, કલબુર્ગી, વાડી, યાદગિર, કૃષ્ણા, રાયચૂર, મંત્રાલયમ રોડ, અદોની, ગુન્ટકલ, ગુટી, તાડીપત્રી, યેરાગુંટલા, કડપા, રઝામપેટા, રેણીગુન્ટા, કાટપાડી, વેલ્લોર કેન્ટ, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, તિરુપાદિરિપુલિયુર, ચિદમ્બરમ, મયિલાદુતુરાઈ, તિરુનલ્લારુ, કારાઈકલ, નાગોર અને નાગપટ્ટિનમ સ્ટેશનનો સમાવેશ થાય છે.
પશ્ચિમ રેલવેની માહિતી અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરો માટે જનરલ સેકન્ડ ક્લાસ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09030 માટેનું એડવાન્સ બુકિંગ 30 જૂનથી જ તમામ PRS (Passenger Reservation System) કાઉન્ટર તેમજ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. અન્ય મહત્વપૂર્ણ વિગતો માટે મુસાફરો ભારતીય રેલવેના સત્તાવાર ઇન્ક્વાયરી પોર્ટલની મુલાકાત લઈ શકે છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
