તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
સુરત SBI લૂંટમાં મોટો ખુલાસો:લૂંટારૂઓએ બાઈક ખરીદવા સાથે શહેરમાં આશરો મેળવવા નકલી ઓળખપત્રોનો સહારો લીધો
. લૂંટારૂઓએ આ બાઈક તેલંગાણાથી ખરીદ્યું હતું. જ્યારે પોલીસે અસલ માલિકનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે તેણે આ બાઈક અગાઉ વેચી દીધું

સુરતની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં થયેલી 50 લાખની સનસનીખેજ લૂંટના મામલે તપાસ કરી રહેલી પોલીસના હાથે ચોંકાવનારા પુરાવા લાગ્યા છે. લૂંટારૂઓએ આ સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે અત્યંત શાતિર આયોજન કર્યું હતું, જેમાં ડુપ્લિકેટ દસ્તાવેજોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટારૂઓએ માત્ર બાઈક ખરીદવા જ નહીં, પણ શહેરમાં આશરો મેળવવા માટે પણ નકલી ઓળખપત્રોનો સહારો લીધો હતો, જેના કારણે પોલીસને શરૂઆતમાં આરોપીઓ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.
લૂંટમાં વપરાયેલી અપાચે બાઈકની તપાસ કરતાં પોલીસ તેલંગાણા સુધી પહોંચી હતી. લૂંટારૂઓએ આ બાઈક તેલંગાણાથી ખરીદ્યું હતું. જ્યારે પોલીસે અસલ માલિકનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે તેણે આ બાઈક અગાઉ વેચી દીધું હતું. જોકે, નવાઈની વાત એ છે કે બાઈક ખરીદનાર વ્યક્તિએ જે આધારકાર્ડ આપ્યું હતું, તે તપાસ દરમિયાન બોગસ હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ જાણીજોઈને બીજા રાજ્યમાંથી વાહન ખરીદ્યું જેથી સ્થાનિક સ્તરે કોઈ શંકા ન જાય.
આરોપીઓએ સુરતના રાંદેર વિસ્તારમાં રોકાણ કર્યું હોવાની વિગતો પણ સામે આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે રાંદેર વિસ્તારમાં રૂમ ભાડે રાખવા માટે પણ લૂંટારૂઓએ મકાનમાલિકને બોગસ આધારકાર્ડ આપ્યું હતું. પોલીસ દ્વારા આ આધારકાર્ડની ખરાઈ કરવામાં આવતા તે ફેક હોવાનું સાબિત થયું છે. આ મોડસ ઓપરેન્ડી પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ રીઢા ગુનેગારો છે અને તેમણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પદ્ધતિસરનું નેટવર્ક ગોઠવ્યું હતું.
લૂંટારૂઓએ ભલે બોગસ આધારકાર્ડનો ઉપયોગ કર્યો હોય, પરંતુ પોલીસ હવે અન્ય ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તેમનો પીછો કરી રહી છે. બોગસ આધારકાર્ડ ક્યાંથી અને કોણે બનાવી આપ્યા તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. લૂંટારૂઓએ તેલંગાણાથી સુરત સુધીની સફર કયા માર્ગે કરી અને સુરતમાં તેમને કોણે સ્થાનિક મદદ પૂરી પાડી તે પોલીસ માટે અત્યારે તપાસનો મુખ્ય વિષય છે.
50 લાખ જેવી મોટી રકમની લૂંટના આ કેસને ઉકેલવા માટે સુરત ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની અનેક ટીમો કાર્યરત છે. આરોપીઓએ ડુપ્લિકેટ ઓળખનો ઉપયોગ કરીને પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પોલીસને આશા છે કે બાઈક ડીલ અને રૂમ ભાડાના વ્યવહારોમાં ક્યાંક તો લૂંટારૂઓએ પોતાની અસલ ઓળખ છુપાવવામાં ભૂલ કરી જ હશે. આગામી દિવસોમાં આ મામલે મોટી ધરપકડની શક્યતા સેવાઈ રહી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
